નરેંદ્ર મોદીએ ઉમેદવારી પત્ર ભરવા કેમ આજનો જ દિવસ પસંદ કર્યો ? જાણો કારણ……
નવી દિલ્હી : વડાપ્રધાન નરેંદ્ર મોદી (Narendra Modi) આજે વારાણસીથી પોતાનું ઉમેદવારી પત્ર (PM Modi Contest From Varanasi)ભરવાના છે. આ માટે ભાજપે 4 સમર્થકોના નામની યાદી તૈયાર કરી છે. વડાપ્રધાન સાથેની ચર્ચા બાદ આ નામોને ફાઇનલ કરી દેવામાં આવ્યા છે. તે ઉપરાંત તેઓ ગંગાજીની પુજા કર્યા બાદ ઉમેદવારી પત્ર ભરશે. આ સમયે અનેક મોટા નેતાઓ હાજર રહેવાના છે.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી આજે ત્રીજી વખત વારાણસી લોકસભા બેઠક પર પોતાની ઉમેદવારી નોંધાવશે. તેની પહેલા દશાશ્વમેઘ ઘાટ પહોંચ્યા હતા. કાલભૈરવ મંદિરમાં પણ તેમણે દર્શન કર્યા હતા. તેમણે ગંગા સપ્તમીના શુભ અવસર પર ગંગાજીની પુજા કરી હતી. આજના દિવસનું ખાસ વિશેષ મહાત્મ્ય છે કારણ કે પૌરાણિક માન્યતા અનુસાર આજના દિવસે જ ગંગાજીની સ્વર્ગમાં ઉત્પતિ થઈ હતી. આજના દિવસે જ તેને ભગવાન શંકરનીઓ જટામાં સ્થાન મળ્યું હતુ.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના ફોર્મ ભરતી વખતે 4 પ્રસ્તાવકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ભાજપે જાતિગત સમીકરણોનું પણ ખાસ ધ્યાન રાખવામા આવ્યું છે. જેમાં બ્રાહ્મણ ગણેશ્વર શાસ્ત્રી કે જેમણે રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા માટેનું મુર્હુત કાઢ્યું હતું, ઓબીસી સમાજમાથી બૈજનાથ પટેલ અને લાલચંદ કુશવાહા તેમજ દલિત સમાજમાથી સંજય સોનકર વડાપ્રધાનના પ્રસ્તાવક તરીકે હાજર રહેવાના છે.
પીએમ મોદીના ઉમેદવારી પત્ર ભરવા સમયે કેન્દ્રિય મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરી સહિત 16 રાજયોના મુખ્યમંત્રીઓ તેમજ એનડીએના અન્ય કેટલાક મોટા નેતાઓ ઉપસ્થિત રહેવાના છે.