ફ્લેટને બદલે પ્લોટ: ભારતના રિયલ એસ્ટેટ માર્કેટમાં નવા ટ્રેન્ડ પાછળના કારણો જાણો?
નેશનલ

ફ્લેટને બદલે પ્લોટ: ભારતના રિયલ એસ્ટેટ માર્કેટમાં નવા ટ્રેન્ડ પાછળના કારણો જાણો?

નવી દિલ્હીઃ રોટી, કપડાં ઓર મકાન. એક માણસની આ ત્રણ મુખ્ય જરૂરિયાતો છે. પહેલી બે જરૂરિયાતો પૂરી થાય એટલે વ્યક્તિ મકાન શોધે છે. જોકે આજના સમયમાં એપાર્ટમેન્ટમાં સસ્તા ઘર મળી રહે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી રેસિડેન્શિયલ પ્લોટની ખરીદીમાં વધારો જોવા મળ્યો છે. રિયલ એટસ્ટેટ માર્કેટમાં આવું વલણ કેમ જોવા મળી રહ્યું છે? આવો જાણીએ.

ફ્લેટના બદલે કેમ પ્લોટની ખરીદી વધી?
ભારતના રિયલ એસ્ટેટ માર્કેટમાં ઝડપથી બદલાવ આવી રહ્યો છે, કારણ કે લોકો હવે ફ્લેટને રેશિડેન્શિયલ પ્લોટ ખરીદવાનું વધારે પસંદ કરી રહ્યા છે. આ બદલાવ એટલા માટે આવી રહ્યો છે કારણ કે લોકો પોતાના હિસાબથી ઘર બનાવવા માંગે છે અને ટિયર 2 શહેરોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધુ સારુ થઈ રહ્યું છે.

એક અહેવાલમાં જણાવ્યા મુજબ, 2022થી મે 2025 સુધી ટોચના શહેરોમાં લગભગ 4.7 લાખ રેસિડેન્શિયલ પ્લોટ લોન્ચ થયા છે, જે પૈકીના 52 ટકા ટિયર 2 શહેરોમાં છે. 2025ના પ્રથમ પાંચ મહિનામાં જ 45, 591 રેસિડેન્શિયલ પ્લોટ્સ લોન્ચ થયા છે. આ લોન્ચની અંદાજિત કિંમત 2.44 લાખ કરોડ રૂપિયા છે.

હૈદરાબાદ, ઈન્દોર, બેંગલુરૂ, ચેન્નઈ અને નાગપુર જેવા વિકાસમાં અગ્રેસર રહેતા મુખ્ય શહેરોમાં પ્લોટની ડિમાન્ડ વધી છે. ટિયર 1 શહેરોમાં ફક્ત હૈદરાબાદ, બેંગલુરૂ અને ચેન્નઈ ટોચના 10 શહેરોમાં સામેલ થયા છે. જે કુલ પ્લોટ લોન્ચનો 48 ટકા ભાગ ધરાવે છે. આ હાઈ-રાઈઝ અપાર્ટમેન્ટથી હટીને એક મોટો બદલાવ છે, કારણ કે હવે પ્લોટ્સ રિયલ એસ્ટેટ પોર્ટફોલિયોનો મહત્ત્વનો ભાગ બની ગયા છે.

કોરોના બાદ વધ્યુ પ્લોટમાં રોકાણનું મહત્ત્વ
રિયલ એસ્ટેટ સેક્ટરના નિષ્ણાતના જણાવ્યાનુસાર, કોરોના બાદ રોકાણકારો માટે રેસિડેન્શિયલ પ્લોટ્સ એક સલામત વિકલ્પ બની ગયો છે. કારણ કે તેમાં સુગમતા, કિંમત વધવાની શક્યાત અને વધુ સારી પારદર્શિતા છે. ડેવલપર્સ માટે પ્લોટ્સમાં ઝડપથી કેશ ફ્લો આવે છે. કારણ કે તેનું વેચાણ જલદી થઈ જાય છે. અને એપાર્ટમેન્ટની તુલનામાં શરૂઆતી મૂડીની જરૂર પણ ઓછી પડે છે. આ વાત રોકાણકારો અને ડેવલપર્સની ફ્લેટને બદલે પ્લોટ ખરીદવાની નાણાકીય અને વ્યૂહાત્મક કારણોને દર્શાવે છે.

મુખ્ય મેટ્રો શહેરોમાં માંગમાં જબરદસ્ત વધારો
2025ની શરૂઆતમાં હાઈ-રાઈઝ એપાર્ટમેન્ટની માંગ નબળી પડતાં પ્લોટ વધુ ધ્યાન આકર્ષિત કરી રહ્યા છે. ટાયર 2 શહેરો અને દક્ષિણના મુખ્ય મેટ્રો શહેરો જેમ કે બેંગલુરુ, હૈદરાબાદ અને ચેન્નાઈમાં માંગમાં જબરદસ્ત વધારો થયો છે. સાથોસાથ 2024માં ઈન્દોર, રાયપુર, કોઈમ્બતુર અને મૈસુર જેવા શહેરોમાં રેસિડેન્શિયલ પ્લોટની કિંમતોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. જે રેસિડેન્શિયલ પ્લોટની વધતી કિંમતને દર્શાવે છે.

2024માં વધી પ્લોટ લોન્ચની સરેરાશ કિંમત
રિયલ એસ્ટેટ માર્કેટમાં આવેલી તેજી છતાં ટોચના 10 શહેરોમાં પ્લોટનો કુલ સપ્લાય 2024માં વાર્ષિક ધોરણે 23 ટકા ઘટ્યો હતો, જે 2023 માં 24 ટકા વધ્યો હતો. 2024 માં પ્લોટની સરેરાશ લોન્ચ કિંમત 27 ટકા વધીને રૂ. 3689 પ્રતિ ચોરસ ફૂટ થઈ ગઈ. તેમ છતાં, ચેન્નાઈ, કોઈમ્બતુર અને સુરત જેવા કેટલાક શહેરોમાં પુરવઠો વધ્યો હતો. ગયા વર્ષે 26,538 યુનિટ સાથે પ્લોટ લોન્ચમાં ઈન્દોર આગળ હતું, જે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં તેનું મહત્વ દર્શાવે છે.

ઉલ્લેખનીય છે કે, જેમ જેમ શહેરો તેમની માળખાગત સુવિધાઓમાં વધારો કરે છે, તેમ તેમ રહેણાંક પ્લોટ તરફનો ટ્રેન્ડ ચાલુ રહેવાની શક્યતા છે. આ ફેરફાર રિયલ એસ્ટેટ માર્કેટમાં રોકાણની પેટર્નમાં મોટો ફેરફાર લાવી રહી હોય એવું દેખાડી રહ્યું છે.

આ પણ વાંચો…ગુજરાતમાં ટાઉનશીપ પ્રોજેક્ટ્સને મળશે વેગ: 16 વર્ષ બાદ નવી ડ્રાફ્ટ પોલિસી આવશે…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button