હાર બાદ પ્રતિક્રિયા આપતા રાહુલ ગાંધીએ કહી આ વાત…
નવી દિલ્હીઃ રાહુલ ગાંધીએ ત્રણ રાજ્યોમાં મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં પોતાની પાર્ટીની હાર સ્વીકારી છે. રાહુલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતાં જણાવ્યું હતું કે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનનો જનાદેશન અમે વિનમ્રતાપૂર્વક સ્વીકાર કરીએ છીએ. વિચારધારાની આ લડાઈ ચાલુ જ રહેશે.
તેલંગણામાં થયેલી કોંગ્રેસની જિત વિશે પ્રતિક્રિયા આપતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે તેલંગાણાના લોકોનો ખૂબ ખૂબ આભાર… પ્રજાલુ તેલંગાણા બનાવવાનું અમારું વચન અમે ચોક્કસ પૂરું કરીશું. તમામ કાર્યકર્તાઓનો તેમની મહેનત અને સમર્થન માટે દિલથી આભાર…
એવું નથી કે ત્રણ રાજ્યમાં કોંગ્રેસની હારથી માત્ર રાહુલ ગાંધી જ નિરાશ થયા હોય એવું નથી. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં મળેલાં પરાજયથી નિરાશ થઈને પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આ રાજ્યોમાં અમારી પાર્ટી પોતાને મજબૂત બનાવશે અને વિપક્ષી ગઠબંધન I.N.D.I.A.ના દળ સાથે મળીને લોકસભાની ચૂંટણી માટે પોતાને તૈયાર કરશે.
ખડગેએ તેલંગણામાં કોંગ્રેસને જિતાડવા માટે જનતાનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે રાષ્ટ્રીય કોંગ્રેસ પર વિશ્વાસ અને ભરોસો દેખાડવા માટે હું તેલંગણાના મતદાતાઓનો આભાર માનું છું. હું એ લોકોનો પણ આભાર માનું છું કે જેમણે અમને છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વોટ આપ્યો.