
દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025માં એક પછી એક રોમાંચક મેચ જોવા મળી રહી છે. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે 13મી મેના રોજ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ મેચ રમાશે. એ પહેલા RCBએ દિલ્હી હાઇકોર્ટમાં એક કેસ દાખલ કરીને SRHના સ્ટાર બેટર ટ્રેવિસ હેડ(Travis Head)ને મુશ્કેલીમાંમુકી દીધો છે. RCBએ કેબ સર્વિસ ઉબેર(Uber) સામે દિલ્હી હાઇકોર્ટમાં એક દાવો માંડ્યો છે, જેમાં SRHનો ટ્રેવિસ હેડ મુશ્કેલીમાં ફસાયો છે.
RCBએ ગુરુવારે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો. RCB એ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે એક જાહેરાતમાં RCBના ટ્રેડમાર્કનું અપમાન કરવામાં આવ્યું છે. ઉબેરની આ એડમાં SRHનો બેટર ટ્રેવિસ હેડ જોવા મળે છે. RCBની વચગાળાની અરજી પર બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ન્યાયાધીશ સૌરભ બેનર્જીએ આદેશ અનામત રાખ્યો હતો.
શું છે મામલો?
રોયલ ચેલેન્જર્સ સ્પોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડે ઉબેર ઇન્ડિયા સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ સામે હાઈકોર્ટમાં દાવો દાખલ કર્યો હતો કે ઉબેર મોટોની યુટ્યુબ જાહેરાતમાં તેના ટ્રેડમાર્કનું અપમાન કરવામાં આવ્યું. આ જાહેરાતનું ટાઈટલ ‘બેડીઝ ઇન બેંગ્લોર ફીટ ટ્રેવિસ હેડ’ (Baddies in Bengaluru ft. Travis Head) રાખવામાં આવ્યું હતું. આરસીબીએ કહ્યું કે વીડિયોમાં મેઈન કેરેક્ટર ટ્રાવીસ હેડ RCBના ટ્રેડમાર્કનું અપમાન કરે છે
વિડિઓ વિશે માહિતી આપતા RCB ના વકીલે કહ્યું કે હેડને ઉબેર મોટોની બાઈક પર બેસીને બેંગલુરુના ક્રિકેટ સ્ટેડિયમ તરફ જતો બતાવવામાં આવ્યો છે. તેનો ઉદ્દેશ્ય “બેંગલુરુ વિરુદ્ધ હૈદરાબાદ” (Bengaluru vs Hyderabad) મેચના પોસ્ટરને બગાડવાનો છે. તે સ્પ્રે પેઇન્ટ લઈને બેંગલુરુની બાજુમાં “રોયલી ચેલેન્જ્ડ” લખે છે, જેનાથી નવું ટાઈટલ “રોયલી ચેલેન્જ્ડ બેંગલુરુ” (Royally Challenged Bengaluru) બની જાય છે, જે RCBના ટ્રેડમાર્કનું અપમાન કરે છે.
આ પણ વાંચો: આઇપીએલમાં અલર્ટઃ હૈદરાબાદનો બિઝનેસમૅન અગાઉ મૅચ-ફિક્સિંગના પ્રયત્નો કરી ચૂક્યો છે
ઉબેર સામે RCBનો દાવો:
RCBના વકીલે દલીલ કરી હતી કે કોઈપણ નકારાત્મક ટિપ્પણી કરવી અપમાનજનક છે. SRHના કર્મશિયલ સ્પોન્સર ઉબેર મોટોએ તેની રાઇડ બુકિંગ સર્વિસનો પ્રચાર કરતી જાહેરાતમાં RCB ટ્રેડમાર્કનો ઉપયોગ કર્યો હતો, જે કાયદા હેઠળ અસ્વીકાર્ય છે.
Uberની દલીલ:
દરમિયાન, ઉબેરનું પ્રતિનિધિત્વ કરતા વકીલે કહ્યું કે એ માત્ર રમુજ માટે હતું. વકીલે કહ્યું કે જાહેરાતનો સામાન્ય સંદેશ એ હતો કે 13 મેના રોજ બેંગલુરુમાં RCB અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ છે. શહેર ટ્રાફિકથી ભરેલું હોવાથી, લોકોએ ઉબેર મોટોનો ઉપયોગ કરવો જોઈએ. ઉબેરના વકીલોએ જણાવ્યું હતું કે રમૂજ, મસ્તી અને મજાક એ જાહેરાતનો અભિન્ન ભાગ હોય છે.