માત્ર ધોરણ 10 જ પાસ હો તો પણ રીઝર્વ બેંકમાં નોકરી મળશે, 50 હજારની આસપાસ પગાર

મુંબઈ: આજના સમયમાં શિક્ષિત યુવાનો સારી નોકરી શોધી રહ્યા છે. એવા સમયે ધોરણ 10 પાસની લાયકાત ધરાવતા યુવાઓ માટે બેંકમાં નોકરી કરવાની સુવર્ણ તક આવી છે. બેંકિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ મોટી તક પૂરી પાડવા જઈ રહી છે. RBI એ વર્ષ 2025-26 માટે 572 ઓફિસ એટેન્ડન્ટ પદોની ભરતી પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી છે.
અરજી કરવાની લાયકાત શું છે?
RBI દ્વારા જાહેર કરવામાં આવેલી ભરતીમાં જે-તે રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશના માન્ય બોર્ડમાંથી ધોરણ 10 (મેટ્રિક) પાસ થયેલી વ્યક્તિ જ ઉમેદવારી કરી શકશે. સ્નાતક કે તેનાથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકશે નહીં. જોકે, અરજી કરનાર ઉમેદવારની ઉમર 1 જાન્યુઆરી, 2026 ના રોજ 18 થી 25 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે. સરકારી નિયમો મુજબ અનામત શ્રેણીના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. આ ઉપરાંત અરજદાર જે પ્રદેશ માટે અરજી કરી રહ્યા હોય ત્યાંની સ્થાનિક ભાષા લખતા, વાંચતા અને બોલતા આવડવી અનિવાર્ય છે.
બે તબક્કામાં થશે પસંદગીની પરીક્ષા
ઓફિસ એટેન્ડન્ટની ભરતી પ્રક્રિયાની વાત કરીએ તો RBI દ્વારા બે તબક્કામાં પરીક્ષા યોજવામાં આવશે. પહેલા તબક્કામાં ઓનલાઈન કોમ્પ્યુટર આધારિત પરીક્ષા લેવામાં આવશે. જેમાં ઉમેદવારનું સામાન્ય જ્ઞાન, અંગ્રેજી, ગણિત તથા તાર્કિક ક્ષમતા ચકાસવામાં આવશે. જ્યારે બીજા તબક્કામાં ઓનલાઈન પરીક્ષામાં પાસ થનાર ઉમેદવારોએ સ્થાનિક ભાષાની કસોટી પાસ કરવાની રહેશે.
અરજી કરવાની છેલ્લી તારીખ કઈ?
ઓફિસ એટેન્ડન્ટની 572 ખાલી જગ્યાઓ માટેની અરજી સ્વીકારવાની શરૂઆત 16 જાન્યુઆરી 2026થી થઈ ગઈ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 4 ફેબ્રુઆરી, 2026 છે. rbi.org.in વેબસાઈટ પર ઉમેદવાર ઓનલાઈન અરજી કરી શકશે. SC, ST, માનસિક દિવ્યાંગ તથા એક્સ આર્મિમેન ઉમેદવારોએ અરજી માટે રૂ. 50 તથા GST ફી તરીકે ચૂકવવાની રહેશે. જ્યારે જનરલ, ઓબીસી તથા EWS કેટેગરીના ઉમેદવારોએ અરજી માટે રૂ. 450 તથા GST ફી તરીકે ચૂકવવાની રહેશે.
આ પણ વાંચો…ગુજરાત પોલીસ ભરતી: PSI અને લોકરક્ષક શારીરિક કસોટીની તારીખ જાહેર, આજથી ડાઉનલોડ કરો કોલ લેટર



