ગ્રેજ્યુએશન કરી રહ્યા છો, તો આરબીઆઈની આ લાખો કમાવાની તક આજે જ ઝડપી લો

મુંબઈઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ એક જાહેરાત કરી છે, જે સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે છે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસનો ખર્ચ પોતે કાઢી શકે તેટલી રકમના ઈનામવાળી આ ઑફરમાં તેમણે માત્ર એક ક્વિઝમાં ભાગ લેવાનો છે અને ઈનામો પોતાને નામ કરવાના છે. આથી જ્ઞાન સાથે ગમ્મત તો ખરી, પણ પૈસા કમાવાનો પણ આ ખાસ મોકો છે.
આરબીઆઈના 90 વર્ષની ઉજવણી નિમિત્તે આયોજિત કાર્યક્રમોના ભાગરૂપે આ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું છે. ક્વિઝમાં સામાન્ય જ્ઞાન સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવશે. આ સ્પર્ધા પહેલા જિલ્લા અને છેલ્લે રાષ્ટ્ર સ્તરે રમાડવામાં આવશે. આ ઑનલાઈન સ્પર્ધામાં વિજેતા થવા માટે તમારે આખા દેશ સાથે સ્પર્ધામાં ઉતરવું પડશે.
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકે અને કેટલાં છે ઈનામો?
RBI90Quiz એ અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે ખુલ્લું છે જેમની ઉંમર 1 સપ્ટેમ્બર, 2024 ના રોજ 25 વર્ષથી વધુ નથી. તેમજ જેઓ ભારતમાં સ્થિત કોલેજો દ્વારા અભ્યાસના કોઈપણ પ્રવાહમાં સ્નાતકની ડિગ્રી મેળવી રહ્યા છે. આ ક્વિઝ માટે રજીસ્ટ્રેશન 20મી ઓગસ્ટથી શરૂ થયું હતું અને 17મી સપ્ટેમ્બરે સમાપ્ત થશે. ક્વિઝની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. ક્વિઝમાં સામાન્ય જ્ઞાન સંબંધિત વિવિધ વિષયો જેમ કે વર્તમાન બાબતો, ઇતિહાસ, સાહિત્ય, રમતગમત, અર્થતંત્ર, નાણાં અને સામાન્ય જ્ઞાન વગેરેને આવરી લેતા પસંદગીના પ્રશ્નોનો સમાવેશ થશે. શક્ય છે કે ભારતીય રિઝર્વ બેંકને લગતા કેટલાક પ્રશ્નો હોય શકે.
રજિસ્ટ્રશન માટે કોઈ ફી નથી, પણ જો સ્પર્ધા જીતશો તો પ્રથમ ઈનામ 10 લાખ રૂપિયા છે. બીજું ઇનામ રૂ. 8 લાખ અને ત્રીજું ઇનામ રૂ. 6 લાખ છે. ઝોનલમાં પ્રથમ ઇનામ રૂપિયા 5 લાખ, બીજું ઇનામ રૂપિયા 4 લાખ અને ત્રીજું ઇનામ રૂપિયા 3 લાખ છે. રાજ્ય કક્ષાની ક્વિઝમાં પ્રથમ ઇનામ રૂ. 2 લાખ, ત્યારબાદ બીજું ઇનામ રૂ. 1.5 લાખ અને તૃતીય ઇનામ રૂ. 1 લાખ છે.
આ પ્રકારના ઈનિશિયેટીવ દ્વારા આરબીઆઈ વિદ્યાર્થીઓ-યુવાનોમાં પૈસાની સમજ પેદા કરવા માગે છે. કમાણી કરવાનો આનંદ અને તે પૈસાનો યોગ્ય ઉપયોગ યુવાનો કરે, તેમનામાં મની મેનેજ કરવાની સમજ આવે તે માટે આ સ્પર્ધા જાહેર કરવામાં આવી છે.