ટૂંક સમયમાં 50 રૂપિયાની નવી નોટ બજારમાં આવશે, RBIની મહત્ત્વની જાહેરાત, જૂની નોટનું શું?
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા 50 રૂપિયાની નોટને લઈને એક મહત્ત્વની માહિતી સામે આવી રહી છે. મળતી માહિતી મુજબ ટૂંક સમયમાં જ બજારમાં 50 રૂપિયાની નવી નોટ જોવા મળશે. આરબીઆઈ દ્વારા બુધવારે જણાવવામાં આવ્યું હતું કે ટૂંક સમયમાં જ આરબીઆઈના નવા ગર્વનર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષરવાળી 50 રૂપિયાની નવી નોટ બહાર પાડવામાં આવશે.
સંજય મલ્હોત્રાએ ડિસેમ્બર, 2024ના જ આરબીઆઈના ગર્વનર તરીકેનો કારભાર સંભાળ્યો છે અને એમની પહેલાં શક્તિકાંત દાસ આ જવાબદારી ઉઠાવી રહ્યા હતા. આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે આ નવી નોટની ડિઝાઈન મહાત્મા ગાંધીજીની ન્યુ સિરીઝની 50 રૂપિયાની નોટ જેવી હશે. ટૂંક સમયમાં જ ગવર્નર સંજય મલ્હોત્રાની સિગ્નેચરવાળી 50 રૂપિયાની નવી નોટ બહાર પાડવામાં આવશે. જોકે, આ નવી નોટની સાથે સાથે આ પહેલાં જાહેર કરવામાં આવેલી 50 રૂપિયાની નોટ પણ વેલિડ ગણાશે.
આ પણ વાંચો: Whatsapp યુઝર્સ માટે રિઝર્વ બેંકે જાહેર કરી આ ચેતવણી, જાણો વિગતે…
આ ઉપરાંત આરબીઆઈ દ્વારા દસ રૂપિયાના સિક્કાને લઈને પણ સ્પષ્ટતા કરતાં જણાવવામાં આવ્યું હતું કે હાલમાં કુલ 14 અલગ-અલગ ડિઝાઈનવાળા 10 રૂપિયાના સિક્કા ચલણમાં છે અને આ તમામ સિક્કા વેલિડ છે. કોઈ પણ વ્યક્તિ આ સિક્કા સ્વીકારવાની ના પાડી શકે નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે કોઈ કોઈ જગ્યાએ દુકાનદારો અલગ-અલગ આકાર અને સાઈઝમાં બનાવવામાં આવેલા આ 10 રૂપિયાનો સિક્કો લેવાની ના પાડતા હતા. પરંતુ રિઝર્વ બેંકના અનુસાર, હાલ 14 પ્રકારની ડિઝાઈનવાળા 10 રૂપિયાના ચલણમાં માન્ય ગણાશે.
આ પણ વાંચો: આવક વેરામાં રાહત બાદ મળશે બીજા ખુશીના સમાચાર! રિઝર્વ બેંક આપી શકે છે ખુશખબર…
ગયા અઠવાડિયે જ મધ્યમ વર્ગીય લોકો જેની લાંબા સમયથી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એવી ભેટ આપી હતી. પાંચ વર્ષ બાદ કેન્દ્રીય બેન્કે રેપો રેટમાં કાપની જાહેરાત કરી હતી. મોનેટરી પોલિસી કમિટીની બેઠક બાદ શુક્રવારે રિઝર્વ બેન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ આની જાહેરાત કરી હતી.
આરબીઆઈની જાહેરાત અનુસાર રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ પહેલાં રેપો રેટ 6.50 ટકા હતો અને એ હવે ઘટીને 6.25 ટકા થઈ ગયું છે. આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી આ ભેટની સીધેસીધી અસર હોમ લોન, કાર લોન અને અન્ય લોન પર જોવા મળશે. બેંક પણ ગ્રાહકોને સસ્તી લોન ઓફર કરી શકશે.