નિલેશ વાઘેલા
મુંબઇ: રિઝર્વ બેન્કે વ્યાપક ધારણા અનુસાર ચાવીરૂપ વ્યાજદર યથાવત રાખ્યા છે.
રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે આજે સાતમી જૂનના રોજ નવીનતમ નાણાકીય નીતિના નિર્ણય અંતર્ગત જાહેરાત કરી હતી કે બેન્ચમાર્ક વ્યાજ દરો 6.5 ટકા પર યથાવત છે, જે ફેબ્રુઆરી 2023થી સ્થિર છે.
રિઝર્વ બેંકના ત્રણ અને ત્રણ બાહ્ય સભ્યોનો સમાવેશ ધરાવતી મોનેટરી પોલિસી કમિટી (MPC) એ સતત આઠમી પોલિસી મીટિંગ માટે રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખ્યો છે.
એમપીસીના છમાંથી ચાર સભ્યોએ રેપો રેટના નિર્ણયની તરફેણમાં મતદાન કર્યું હતું, એમ ગવર્નર શક્તિકાંત દાસે તેમના નિવેદનમાં જણાવ્યું હતું.
MPCએ છેલ્લે ફેબ્રુઆરી 2023માં દરોમાં ફેરફાર કર્યો હતો. વાર્ષિક છૂટક ફુગાવો માર્ચમાં 4.85 ટકાથી એપ્રિલમાં થોડો ઓછો થઈને 4.83 ટકા થયો હતો, પરંતુ તે હજુ પણ MPCના લક્ષ્યાંક કરતાં ઊંચા સ્તરે છે.
માર્ચ ક્વાર્ટરમાં અર્થતંત્ર 7.8 ટકાની અપેક્ષા કરતાં વધુ ઝડપી ગતિએ વિસ્તર્યું હતું, એમ સત્તાવાર ડેટા દર્શાવે છે.