
મુંબઈ: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના ગવર્નર સંજય મલ્હોત્રાએ એ દ્વિમાસિક મોનેટરી પોલિસીની જાહેરાત કરી હતી, આ દરમિયાન તેમણે રેપો રેટ 5.5% પર યથાવત રાખવાની જાહેરાત કરી હતી. આ સાથે તેમણે શેર સામે લોન અંગે મહત્વની જાહેરાત (Loan against Shares) કરી હતી. તેમણે જણાવ્યું કોઈ વ્યક્તિ પોતાના શેર કોલેટરલ તરીકે રાખીને રૂ.1 કરોડ રૂપિયાની લોન લઇ શકે છે, હાલ આ રકમ રૂ.20 લાખ રૂપિયા છે.
RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ આજે બુધવારના રોજ એક પ્રેસ કોન્ફરન્સમાં લિસ્ટેડ ડેટ સિક્યોરિટીઝ સામે ધિરાણ પરની રેગ્યુલેટરી સીલિંગ દૂર કરવા, બેંકો દ્વારા શેર સામે ધિરાણ માટેની મર્યાદા 20 લાખ રૂપિયાથી વધારીને 1 કરોડ રૂપિયા કરવા, IPO ફાઇનાન્સિંગ માટે પ્રતિ વ્યક્તિ મર્યાદા 10 લાખ રૂપિયાથી વધારીને 25 લાખ રૂપિયાનો પ્રસ્તાવ છે.
હાલના નિયમો મુજબ કોઈ વ્યક્તિ તેની પાસે રહેલા શેરના કુલ મૂલ્યના 50% સુધી મહત્તમ રૂ. 20 લાખ રૂપિયાનાની લોન મેળવી શકે છે, હવે લોનની મહત્તમ રકમ વધારીને રૂ.1 કરોડ પ્રતિ વ્યક્તિ કરવામાં આવી છે.
RBIના ગવર્નરના જણાવ્યા મુજબ સાથે, REITs અને InvITs સામે લોન માટે ધિરાણ મર્યાદા પણ વધારવામાં આવશે. RBI ની ડેવલોપમેન્ટલ એન્ડ રેગ્યુલેટરી પોલિસી પરના નિવેદન મુજબ, શેર, REIT ના યુનિટ્સ અને InvIT ના યુનિટ્સ સામે બેંકો દ્વારા ધિરાણ માટેની ટોચમર્યાદા વધારવામાં આવશે. લિસ્ટેડ ડેટ સિક્યોરિટીઝ સામે ધિરાણ પર રેગ્યુલેટરી સીલિંગ સંપૂર્ણપણે દૂર કરવામાં આવશે. આ અંગે વાધું સૂચના ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
IPOમાં રોકાણ માટે મળશે લોન:
RBIના જણાવ્યા મુજબ IPO ફાઇનાન્સિંગ માટે પ્રતિ વ્યક્તિ મર્યાદા વધારવામાં આવશે. હાલ આ મર્યાદા રૂ. 10 લાખ પ્રતિ વ્યક્તિ છે, વધારીને રૂ.25 લાખ કરવામાં આવશે. IPO ફાઇનાન્સિંગ એ ટૂંકા ગાળાની લોન છે, જેની મદદથી રોકાણકાર IPOમાં રોકાણ માટે ભંડોળ મેળવી શકે છે. એકવાર ગ્રાહકને શેર ફાળવવામાં આવે, પછી લોન ચૂકવવાના માટે એ શેરોને કોલેટરલ તરીકે લેવામાં આવે છે.
ડેટ સિક્યોરિટી અંગે જાહેરાત:
ગવર્નરે લિસ્ટેડ SGBs (સોવરિન ગોલ્ડ બોન્ડ્સ), કોર્પોરેટ બોન્ડ્સ, ડિબેન્ચર્સ (નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ સહિત), ગ્રીન બોન્ડ્સ જેવા સરકારી બોન્ડ્સ સહીત ડેટ સિક્યોરિટીઝ સામે ધિરાણ પરની ટોચમર્યાદા દૂર કરવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. આ અંગે વધુ વિગતો જાહેર કરવામાં આવશે. હવે લિસ્ટેડ ડેટ સિક્યોરિટીઝ સામે લોન લેવી પણ સરળ બનશે.
આ પણ વાંચો…ઓક્ટોબર મહિનામાં આ કારણે 15 દિવસથી વધુ બેંકો રહેશે બંધ, જુઓ RBIની સંપૂર્ણ યાદી…