
નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ બુધવારે આદેશ જારી કર્યો છે કે ડિજિટલ પેમેન્ટ અને ફાઈનાન્શિયલ સર્વિસ આપતી કંપની Paytmની બેંકિંગ શાખા Paytm પેમેન્ટ બેંકને નવા ગ્રાહકો જોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એટલે કે હવે કોઈ નવો ગ્રાહક PPBLમાં જોડાઈ શકશે નહીં.
પેટીએમ પેમેન્ટ બેંકમાં નવા ગ્રાહકો ઉમેરવા પર નિયંત્રણો લાદવા ઉપરાંત, RBIએ એક આદેશ પણ જારી કર્યો છે કે પેટીએમ પેમેન્ટ બેંકને 29 ફેબ્રુઆરી 2024 પછી કોઈ પણ ગ્રાહકના અકાઉન્ટ, વોલેટ અને ફાસ્ટેગમાં જમા/ટોપ-અપ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
RBI દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે બેન્કના ગ્રાહકો દ્વારા સેવિંગ એકાઉન્ટ, કરંટ અકાઉન્ટ, પ્રિપેડ ઇન્સ્ટ્રુમેન્ટ, ફાસ્ટટેગ(FASTag), નેશનલ કોમન મોબિલિટી કાર્ડ (NCMC) સહિત તેમના ખાતામાં જમા રહેલી રકમ કાઢવા અથવા તેનો ઉપયોગમાં કોઈ પણ પ્રકારની રોકટોક કરવામાં આવશે નહીં. RBIએ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ-1949ની કલમ 35A હેઠળ Paytm પેમેન્ટ્સ બેંક વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે.
પેટીએમ પેમેન્ટ બેંક પર રિઝર્વ બેંક દ્વારા લેવામાં આવેલી આ કાર્યવાહી અંગે કહેવામાં આવ્યું છે કે ઓડિટ રિપોર્ટ અને એક્સટર્નલ ઓડિટર્સ દ્વારા ચકાસવામાં આવેલ રિપોર્ટ બાદ પેટીએમની બેંકિંગ સર્વિસમાં નોન-કોમ્પ્લિએંસ અને મટિરિયલ સુપરવાઇઝરી ચિંતાઓ પ્રકાશમાં આવી છે.
આ બધાની વચ્ચે, આ નિર્ણય લેવામાં આવ્યો છે અને આ આદેશ હેઠળ, નવા ગ્રાહકોને ઉમેરવા પર પ્રતિબંધની સાથે, ચાલુ ગ્રાહકોના ખાતામાં ટ્રાન્ઝેક્શન પર પણ 29 ફેબ્રુઆરી 2024 થી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
રિઝર્વ બેંકના આ નિર્ણયની અસર ગુરુવારે Paytm ના શેર પર જોવા મળી શકે છે. નોંધનીય છે કે આ પહેલા પણ કંપનીના શેરમાં 20 ટકા સુધીનો જંગી ઘટાડો જોવા મળ્યો હતો. તેની પાછળનું કારણ પેટીએમ પેમેન્ટ બેંકની નાની પોસ્ટપેડ લોન ઘટાડવાની યોજના હોવાનું કહેવાય છે.
જો કે, કંપનીની એનાલિસ્ટ મીટમાં, નાના કદની પોસ્ટપેડ લોન ઘટાડવા અને મોટા કદની પર્સનલ લોન અને મર્ચન્ટ લોન વધારવાની યોજના જાહેર કરવામાં આવી હતી. પરંતુ, બ્રોકરેજ હાઉસને કંપનીની આ યોજના પસંદ ન આવી અને તેઓએ કંપનીની આવકના અંદાજમાં ઘટાડો કર્યો. હવે પેટીએમ પર આરબીઆઈના આ આદેશની ખરાબ અસર કંપનીના શેર પર દેખાઈ શકે છે.