RBI એ અધધ… 4 ક્વિન્ટલ સોનું ખરીદ્યું: આટલી મોટી ખરીદી પાછળનું શું છે કારણ?

મુંબઈ: સોનાને સલામત સંપત્તિ ગણવામાં આવે છે. જેથી ઘણા લોકો સોનું ખરીદીને રોકાણ કરતા હોય છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) પણ સોનાની ખરીદી કરે છે. કારણ કે, સોનાના જથ્થામાં વધારો દેશની નાણાકીય સ્થિતિ તથા અને વૈશ્વિક સ્તરે દેશના પ્રભાવને મજબૂત બનાવે છે, એવું માનવામાં આવે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા 4 ક્વિન્ટલ સોનાની ખરીદી કરી છે.
બેંક પાસે કુલ 879 ટન સોનાનો ભંડાર
ડૉલર અથવા અન્ય ચલણની સરખામણીમાં સોનું સૌથી ભરોસાપાત્ર સંપત્તિ છે. તેથી વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને મોંઘવારીના સંકેતને જોતા રિઝર્વે બેંક ઓફ ઈન્ડિયા સોનાની ખરીદીને પ્રાધાન્ય આપે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મૂજબ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જૂન 2025ના છેલ્લા અઠવાડિયામાં 0.2 ટન એટલે કે લગભગ 4 ક્વિન્ટલ સોનાની ખરીદી કરી હતી. આ સાથે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પાસે રિઝર્વ ગોલ્ડનો જથ્થો 879.6 ટનથી વધીને 879.8 ટન થઈ ગયો છે. જેના પરથી એ સ્પષ્ટ થાય છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સોનાની ખરીદીને લઈને ગંભીર રણનીતિ અપનાવી રહી છે.
આ પણ વાંચો: કેશ લેશ પેમેન્ટ પર ચાર્જ લેવાશે, RBIના ગવર્નરે શું કહ્યું?
સોનાએ દેશને આપ્યું બંપર રિટર્ન
સોનામાં સિક્યોરિટી, લિક્વિડિટી અને રિટર્ન આ ત્રણ બાબતો જોવા મળે છે, તેથી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા જ્યારે ફોરેક્સ રિઝર્વનું પ્લાનિંગ કરે છે, ત્યારે સોનાની ખરીદીને પ્રાધાન્ય આપે છે. કારણ કે, વિશ્વમાં જ્યારે તણાવ વધે છે અથવા ડૉલરની કિંમતમાં વધ-ઘટ થાય છે ત્યારે સોનું એક વિશ્વાસપાત્ર અને સ્થિર વિકલ્પ બની જાય છે.
RBIને 26 ટકાનું બંપર રિટર્ન મળ્યું
સોનાની ખરીદી વખતે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા માત્ર લિક્વિડિટી જ નહીં રિટર્ન પર પણ ધ્યાન રાખે છે. સોના દ્વારા મળતું રિટર્ન પાઉન્ડ, યેન, યુરો જેવા મજબૂત વિદેશી ચલણથી પણ વધારે સારું છે. મળતી માહિતી મુજબ, 2025ના પહેલા છ મહિનામાં સોના દ્વારા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને 26 ટકાનું બંપર રિટર્ન મળ્યું છે. આ ભારતનું અત્યારસુધીનું સૌથી સારું પ્રદર્શન છે. તુર્કિયેનું રિટર્ન ભારત કરતાં પણ વધુ 40 ટકા છે.
આ પણ વાંચો: વારંવાર EMI Bounce કરનારાઓની હવે ખેર નથી, RBIએ કરી લાલ આંખ…
ફોરેક્સ રિઝર્વમાં વધી સોનાની ભાગીદારી
ઉલ્લેખનીય છે કે, જ્યારે શેર માર્કેટ નીચે જાય છે અથવા ચલણ નબળું પડે છે, ત્યારે સોનાની કિંમત વધે છે. તેથી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સતત સોનાની ખરીદી કરી રહ્યું છે, પરંતુ તેને વેચી રહ્યું નથી. 19 જુલાઈ 2024 સુધી ભારતના ફોરેક્સ રિઝર્વમાં સોનાની ભાગીદારી 8.9 ટકા હતી. જે 18 જુલાઈ 2025ના રોજ વધીને 12.1 ટકા થઈ ગઈ છે. આમ, એક જ વર્ષમાં 3.4 ટકાનો વધારો થયો છે.