કોટક મહિન્દ્રા બેંક પર RBIની તવાઈ, નવા ગ્રાહકો જોડવા અને ક્રેડિટ કાર્ડ ઈશ્યુ કરવા પર લગાવ્યા નિયંત્રણો
પ્રાઈવેટ સેક્ટરની કોટક મહિન્દ્રા બેંક (Kotam Mahindra Bank)ને લઈને મોટા સમાચાર આવ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કોટક મહિન્દ્રા બેંકને ઓનલાઈન અથવા મોબાઈલ બેંકિંગ એપ દ્વારા નવા ગ્રાહકો વધારવા પર નિયંત્રણો લગાવી દીધા છે. આ સાથે જ RBIએ બેંકો દ્વારા નવા ક્રેડિટ કાર્ડ જારી કરવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. સેન્ટ્રલ બેંકે એક પ્રેસ રિલીઝ જારી કરીને આ સંદર્ભમાં માહિતી શેર કરી છે અને બેંકમાં રહેલી ઘણી ખામીઓ અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી છે.
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 35A હેઠળ મોટી કાર્યવાહી કરીને, કોટક મહિન્દ્રા બેંકને તાત્કાલિક અસરથી નવા ગ્રાહકો બનાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. જો કે, બેંક તેના વર્તમાન ગ્રાહકોને તમામ પ્રકારની સેવાઓ સરળતાથી પૂરી પાડવાનું ચાલુ રાખશે. આમાં વર્તમાન ક્રેડિટ કાર્ડ ગ્રાહકોનો પણ સમાવેશ થાય છે, તેમને પહેલાથી જ આ સુવિધાઓ મળતી રહેશે.
RBIએ કોટક મહિન્દ્રા બેંકને તાત્કાલિક અસરથી નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ મૂક્યો છે અને કહ્યું છે કે કેન્દ્રીય બેંકની પૂર્વ મંજૂરી સાથે બેંક દ્વારા શરૂ કરવામાં આવનાર વ્યાપક બાહ્ય ઓડિટ પૂર્ણ થયા પછી લાદવામાં આવેલા આ નિયંત્રણોની સમીક્ષા કરવામાં આવશે અને ઓડિટમાં દર્શાવેલ તમામ ખામીઓ દૂર કરવામાં આવશે.
RBIએ એક પ્રેસ રિલીઝ જાહેર કરીને કહ્યું કે 2022 અને 2023 માટે ભારતીય રિઝર્વ બેન્કની આઈટી પરીક્ષામાં અનેક પ્રકારની ચિંતાઓ ઉભી કરવામાં આવી હતી અને બેન્ક નિર્ધારિત સમયની અંદર આ ચિંતાઓને ઉકેલવામાં નિષ્ફળ રહી છે. બેન્ક તેના ગ્રોથની સાથે તેની IT સિસ્ટમ્સ અને કંન્ટ્રોલના ઓપરેશનલ તાકાત આપવામાં નિષ્ફળ રહી છે. છેલ્લા બે વર્ષથી RBI સતત આઇટી સિસ્ટમને મજબૂત કરવા અને આ સમસ્યાઓને દૂર કરવા બેન્કના ટોચના મેનેજમેન્ટ સાથે સતત સંપર્કમાં છે પરંતુ પરિણામ સંતોષકારક આવ્યું નથી.
RBIએ વધુમાં જણાવ્યું હતું કે રોબસ્ટ આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને આઈટી રિસ્ક મેનેજમેન્ટ ફ્રેમવર્કના અભાવને કારણે બેન્કની કોર બેન્કિંગ સિસ્ટમ અને તેની ઓનલાઈન અને ડિજિટલ બેન્કિંગ ચેનલોએ છેલ્લા બે વર્ષમાં વારંવાર આઉટેજનો સામનો કરવો પડ્યો છે. 15 એપ્રિલ, 2024 ના રોજ પણ સેવાઓ અટકાવી દેવામાં આવી હતી જેના કારણે બેન્ક ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
આરબીઆઈના જણાવ્યા અનુસાર, બેન્કના ડિજિટલ ટ્રાન્જેક્શનના વોલ્યૂમમાં જોરદાર વધારો થયો છે જેમાં ક્રેડિટ કાર્ડથી સંબંધિત ટ્રાન્જેક્શન પણ સામેલ છે. આનાથી આઈટી સિસ્ટમ પર ભારણ વધી ગયું છે.
આ કારણોસર ગ્રાહકોના હિતોને ધ્યાનમાં રાખીને આરબીઆઈએ બેન્ક પર વ્યાપાર નિયંત્રણો લાદવાનો નિર્ણય કર્યો છે જેથી કરીને લાંબા ગાળાના આઉટેજને અટકાવી શકાય કારણ કે આનાથી માત્ર બેન્કની ગ્રાહક સેવાઓ જ નહીં પરંતુ તેની નાણાકીય કામગીરીને પણ અસર થશે. ડિજિટલ બેન્કિંગ અને પેમેન્ટ સિસ્ટમના ફાઇનાન્સિયલ ઇકોસિસ્ટમને પણ આંચકો લાગશે.
કોટક મહિન્દ્રા બેંક પર RBI દ્વારા લેવાયેલ પગલાની અસર આવતીકાલે ગુરુવારે કોટક મહિન્દ્રા બેંકના શેર પર જોવા મળી શકે છે. બુધવારે શેરબજારમાં ટ્રેડિંગના અંતે કોટક મહિન્દ્રા બેન્કના શેર 1.65 ટકા અથવા રૂ. 29.90ના ઉછાળા સાથે રૂ. 1,842.95ના સ્તરે બંધ થયા હતા. 3.66 લાખ કરોડનું માર્કેટ કેપિટલાઇઝેશન (કોટક મહિન્દ્રા બેંક માર્કેટ કેપ) ધરાવતી આ બેંકની આ બેંકના શેર પર વિપરીત અસર પડી શકે છે.