બોલો, 22 માળની બિલ્ડિંગ જેટલી ઊંચાઈ, ને 13.5 ટન વજનનો રાવણ, જાણો ક્યાં થશે દહન?

અધર્મ પર ધર્મના વિજયનો દિવસ એટલે વિજયાદશમી. હિંદુ સનાતન ધર્મના પૌરાણિક ગ્રંથો અનુસાર આસો સુદ નોમનો દિવસ વિજયાદશમી અથવા દશેરા તરીકે ઉજવાય છે. રામાયણમાં કરાયેલા ઉલ્લેખ પ્રમાણે ભગવાન રામે આ દિવસે રાવણનો વધ કર્યા હતો. તેથી વિજયાદશમીના દિવસે ઠેરઠેર રામલીલાનું આયોજન કરવામાં આવે છે અને રાવણ દહન કરવામાં આવે છે. રાવણ દહન માટે ઘણા લોકો રાવણના વિશાળકાય પૂતળા તૈયાર કરાવતા હોય છે. આ વર્ષે રાજસ્થાનના કોટા ખાતે દેશનું સૌથી ઊંચા રાવણનું પૂતળું ઊભું કરવામાં આવ્યું છે.
22 માળ ઊંચી બિલ્ડિંગ જેટલા રાવણનું પૂતળું
કોટામાં દર વર્ષે દશેરાના દિવસે મેળાનું આયોજન થાય છે. જેમાં દર વર્ષે વિજયશ્રી રંગમંચમાં રાવણ દહન પણ કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે 221 ફૂટનું રાવણનું પૂતળું તૈયાર કરવામાં આવ્યું હોવાથી દહનનું સ્થળ મેદાનની પૂર્વ દિશામાં રાકવામાં આવ્યું છે. રાવણના પૂતળા માટે સિમેન્ટ અને સળિયાની મદદથી 26 બાય 24નું સખત ફાઉન્ડેશન તૈયાર કરવામાં આવ્યું છે.
રાવણના પૂતળાને લોખંડના આઠ દોરડાનો ટેકો આપવામાં આવ્યો છે. પેડસ્ટર પર ફિશ પ્લેટને જોડવામાં આવી છે. તેમા પર આઠ નટ બોલ્ટ લગાવીને રાવણના પૂતળાને ઊભું કરવામાં આવ્યું છે. પૂતળાને ઊભું કરવા માટે 220 ટન તથા 100 ટનની હાઈડ્રોલિક ક્રેઇનની મદદ લેવાઈ છે. રાવણનો ચહેરો ફાઇબર ગ્લાસથી તૈયાર કરાયો છે જેનું વજન 3 ક્વિન્ટલ છે. આ સિવાય તેની તલવાર 50 ફૂટ અને તેની મોજડી 40 ફૂટની છે.
વરસાદમાં પણ રાવણને નુકસાન થયું નહીં
ચહેરા પર તેની રુઆબદાર મોટી મુંછો દેખાઈ રહી છે. રાવણના મુઘટ તથા ઢાલમાં કલરફૂલ એલઈડી લાઈટ લગાવવામાં આવી છે. જેથી અંધારામાં રાવણ ઝગમગતો દેખાશે.કોટામાં તૈયાર કરાયેલું આ રાવણનું પૂતળું લગભગ 22 માળ ઊંચી બિલ્ડિંગ જેટલો છે તેની ઊંચાઈ 221 ફૂટ છે. દૂરથી પણ આ રાવણ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે. સ્થાનિકો તથા સહેલાણીઓ આ રાવણ સાથે પોતાની સેલ્ફી લઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે કોટા ખાતે વરસાદ વરસ્યો હતો. પરંતુ રાવણનું આ પૂતળું વોટરપ્રુફ છે. જેથી તેને કોઈ નુકસાન થયું નથી. આજે સાંજે આ પૂતળાનું વિધિવત રીતે દહન કરવામાં આવશે.