Ratan Tata Will : કોને મળશે રતન ટાટાની રૂપિયા 10,000 કરોડની સંપત્તિ, જાહેર થઈ વસિયતની વિગતો
નવી દિલ્હીઃ દેશના સૌથી મોટા ઔદ્યોગિક ગૃહ ટાટા ગ્રુપનું ઘણા વર્ષો સુધી નેતૃત્વ કરનાર રતન ટાટાનું તાજેતરમાં નિધન થયું છે. તેમણે લગભગ 10,000 કરોડ રૂપિયાની સંપત્તિ છોડી છે. તેમણે પોતાની ઈચ્છાને અમલમાં મૂકવાની જવાબદારી ચાર લોકોને આપી છે. મળતી માહિતી મુજબ વસિયતમાં (Ratan Tata Will)તેમણે તેમના જર્મન શેફર્ડ શ્વાન” ટીટો” ની દેખરેખ સુનિશ્ચિત કરવાની વાત પણ લખી છે. ભારતમાં કદાચ આ પ્રથમ વાર બન્યું છે. જ્યારે કોઈ ઉદ્યોગપતિએ પોતાની વસિયતમાં આવી જોગવાઈ કરી હોય. પશ્ચિમી દેશોમાં પાલતુ પશુઓ માટે મિલકત છોડી દેવી તે સામાન્ય બાબત છે. પરંતુ ભારતમાં તે દુર્લભ છે. આ ઉપરાંત તેમણે વસિયતમાં સ્ટાફ, પરિવારના સભ્યો અને અન્ય લોકોને સંપતિ આપી છે.
ટીટોની સંભાળ રાખવા માટે રસોઇયાની પસંદગી
મીડિયા અહેવાલ અનુસાર રતન ટાટાએ તેમની વસિયતમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે તેમના પાલતુ શ્વાન ટીટોની દેખરેખ રસોઈયો રાજન શૉ કરશે. રતન ટાટાએ 5 વર્ષ પહેલા તેમના અગાઉના કૂતરાના મૃત્યુ બાદ ટીટોને દત્તક લીધો હતો. આ વિલમાં તેમના બટલર સુબૈયા માટે પણ કેટલાક રૂપિયા રાખવામાં આવ્યા છે. જેમની સાથે ટાટાનો ત્રણ દાયકાનો લાંબો સંબંધ હતો. રતન ટાટા તેમના વિદેશ પ્રવાસ દરમિયાન ડિઝાઇનર કપડાં ખરીદતા હતા.
વસિયતમાં શાંતનુ નાયડુનું નામ પણ છે
આ સિવાય ટાટાએ પોતાના એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ શાંતનુ નાયડુનું નામ પણ વસિયતમાં સામેલ કર્યું છે. તેમણે નાયડુના ભાગીદારી સાહસ ગુડફેલોમાં તેમનો હિસ્સો છોડી દીધો અને નાયડુના વિદેશમાં અભ્યાસનો ખર્ચ પણ માફ કર્યો.