રતન ટાટાને અંતિમ વિદાય આપવા પહોંચ્યા આ સ્પેશિયલ ગેસ્ટ, વીડિયો થયો વાઈરલ…
ઉદ્યોગપતિ રતન ટાટાના નિધનથી ઉદ્યોગજગત સહિત આખા દેશમાં શોકની લહેર ફરી વળી છે. મુંબઈના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાને જાણીતી હસ્તીઓએ શ્રદ્ધા સુમન અર્પણ કરી હતી. ટાટા ગ્રુપને વૈશ્વિક સ્તરે પરિચય અપાવનારા રતન ટાટાએ બુધવારે મોડી રાતે મુંબઈ બ્રીચ કેન્ડી હોસ્પિટલ ખાતે 86 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. ઉદ્યોગપતિ રતન ટાટાને પ્રાણીઓ પ્રત્યે વિશેષ પ્રેમ હતો અને એમાં પણ ખાસ કરીને શ્વાન માટે. ટાટાના તમામ કેમ્પસમાં સ્ટ્રે ડોગ્સના અવર જવર પર કોઈ પણ પ્રકારની રોકટોક નથી પછી એ તાજ મહેલ હોટેલ હોય કે ટાટા ગ્રુપનું હેડ ક્વાર્ટર. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર તેમના પાળેલા શ્વાનનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. રતન ટાટાનું પાલતુ શ્વાન ગોવા પણ રતન ટાટાને અંતિમ વિદાય આપવા પહોંચ્યો હતો.
ગોવા પણ પોતાના માલિકને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યો હતો અને તે પણ તેમની વિદાયથી દુઃખી દેખાઈ રહ્યો હતો. રતન ટાટા અને ગોવાનો સંબંધ અનોખો છે. રતન ટાટા જ્યારે એક દિવસ ગોવા ગયા હતા ત્યારે આ શ્વાન તેમની પાછળ પાછળ પહોંચ્યો હતો અને બસ રતન ટાટા શ્વાનને લઈને મુંબઈ લઈ આવ્યા હતા. આ ડોગને તેમણે ગોવા નામ આપ્યું. ગોવા બોમ્બે હાઉસમાં બાકી ડોગ્સની સાથે રહે છે. શ્વાન પ્રત્યેનો રતન ટાટાનો પ્રેમ શબ્દોમાં વ્યક્ત કરી શકાય એમ નથી.
રતન ટાટાને શ્વાન પ્રત્યે ખૂબ જ લગાવ હતો અને એ વાતનો અંદાજો એ પરથી જ લગાવી શકાય છે કે તાજ જેવી મોટી હોટેલ હોય કે ટાટા ગ્રુપની કોઈ મોટી ઓફિસ કેમ ના હોય. આ તમામ જગ્યાઓ પર પાળેલા શ્વાનની અવરજવર પર કોઈ પણ પ્રકારની રોકટોક નહોતી.
આ પણ વાંચો : એર ઇન્ડિયા, એરઇન્ડિયા એક્સપ્રેસ અને વિસ્તારાએ કરી રતન ટાટાની યાદમાં જાહેરાત
રતન ટાટાના એક બીજા પ્રચલિત કિસ્સા વિશે વાત કરીએ તો બીમાર શ્વાનની દેખભાળ કરવાની હોવાથી રતન ટાટા બ્રિટનના તત્કાલિન પ્રિન્સ ચાર્લ્સને મળી શક્યા નહોતા. પ્રિન્સ દ્વારા બ્રિટનના પેલેસમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જ રતન ટાટાને સન્માનિત કરવામાં આવનાર હતા. પરંતુ તેમનો શ્વાન બીમાર પડી ગયો અને તેમની સંભાળ રાખવા માટે રતન ટાટાએ બ્રિટનની મુલાકાત રદ કરી હતી.