બળાત્કાર અને હત્યાના દોષી બાબા રહીમને મળી રાહત, 21 દિવસ માટે જેલમાંથી મુક્તિ

ચંદીગઢ: રોહતકની સુનારિયા જેલમાં બળાત્કાર અને હત્યા કેસમાં સજા કાપી રહેલા ગુરમીત રામ રહીમ ફરી જેલમાંથી બહાર આવ્યા છે. ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીતને 21 દિવસની રજા આપવામાં આવી છે. વર્ષ 2017માં કેસના ચુકાદામાં રામ રહીમને સજા સંભળાવવામાં આવી હતી. તે પછીથી રામ રહીમ રજાઓ લઇને કુલ 7 વખત જેલમાંથી બહાર આવી ચુક્યો છે. અગાઉ તેના જન્મદિવસ પહેલા 20 જુલાઈએ તે પેરોલ પર છુટ્યો હતો. એ વખતે તે 30 દિવસ માટે બહાર આવ્યો હતો. બહાર આવ્યા બાદ રામ રહીમ ઉત્તર પ્રદેશના બાગપત સ્થિત પોતાના આશ્રમમાં રોકાશે.
પોતાની 2 શિષ્યાઓ પર બળાત્કારના કેસમાં દોષિત રામ રહીમને 28 ઓગસ્ટ 2017ના રોજ 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. ત્યારબાદ 17 જાન્યુઆરી, 2019ના રોજ કોર્ટે તેના ગોરખધંધાને ઉજાગર કરનાર પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યાના આરોપમાં તેને આજીવન કેદની સજા સંભળાવી હતી.
ફર્લો એક પ્રકારની રજા છે, જેમાં દોષિત કેદીને થોડા દિવસો માટે જેલમાંથી મુક્ત કરવામાં આવે છે. ફર્લોના સમયગાળાને કેદીની સજા અને તેના અધિકારમાંથી રાહત તરીકે જોવામાં આવે છે. સામાન્ય રીતે આ અધિકાર લાંબા સમયથી સજા ભોગવી રહેલા કેદીઓ માટે છે. તે પણ કોઈ કારણ વગર પણ આપવામાં આવે છે. કેદીઓને તેમના પરિવાર અને સમાજને મળી શકે તે માટે ફર્લો આપવામાં આવે છે. જો કે દરેક રાજ્યમાં ફર્લો સંબંધિત અલગ અલગ જોગવાઈઓ હોય છે. ઉત્તર પ્રદેશમાં ફર્લો આપવાનો કોઈ નિયમ નથી.