શું તમે 24 કેરેટ ગોલ્ડન તડકા દાળ ખાવા માંગો છો? બસ આટલી કિંમત ચૂકવવી પડશે

આજકાલ સોશિયલ મીડિયા પર એવી ઘણી વસ્તુ જોવા મળે છે જેની આપણે કલ્પના પણ ના કરી શકીએ. એક સમય હતો જ્યારે સોના, ચાંદી , હીરાનો ઉપયોગ ઘરેણા અને વસ્ત્રો બનાવવામાં થતો હતો. હવે આ સોના ચાંદીનો ઉપયોગ રસોડામાં વાનગી બનાવવામાં પણ થવા માંડ્યો છે. તમને ખાતરી નથી થતી ને! તો આવો તમને એના વિશે જણાવીએ. શું તમે 24 કેરેટ સોના સાથે પીરસાતી દાળ વિશે સાંભળ્યું છે? ગોલ્ડ કેક અને કુલ્ફી પછી હવે સોશિયલ મીડિયા ’24 કેરેટ ગોલ્ડ’ ફ્લેવરવાળી દાળ વાયરલ થઈ રહી છે. આ લક્ઝુરિયસ ’24 કેરેટ ગોલ્ડ દાળ’ દુબઇ સ્થિત ભારતીય શેફ રણવીર બ્રારની રેસ્ટોરન્ટમાં જોવા મળે છે. શેફ રણવીર બ્રારની દુબઈમાં આવેલી રેસ્ટોરન્ટ કશ્કને આ ભવ્ય વાનગી રજૂ કરી છે.
સોશિયલ મીડિયા પર હાલમાં 24 કેરેટ ગોલ્ડન તડકા દાળનો વીડિયો ઘણો ચર્ચામાં છે. વિડિયો સ્પષ્ટપણે બતાવે છે કે શેફ પ્રીમિયમ મસાલા અને શુદ્ધ ઘી સાથે 24 કેરેટ સોના સાથે એક અનોખા બૉક્સમાં બાઉલમાં રાખવામાં આવેલી દાળને બનાવી રહ્યો છે. Instagram ફૂડ પેજ (@streetfoodrecipe) પર આ વીડિયો શેર થયો છે.
ખાસ વાત એ છે કે રેસ્ટોરેન્ટમાં મહેમાનને દાળ પીરસતા પહેલા તેની સામે જ દાળ પર 24 કેરેટ ગોલ્ડન તડકા ઔપચારિક રીતે રેડવામાં આવે છે. વીડિયોમાં કેપ્ચર થયેલી અનોખી રેસિપીએ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. આ ભવ્ય વાનગીની કિંમતને લઈને સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની ટિપ્પણીઓ આવી રહી છે. જોકે, આ દાળ માટે તમારે અંદાજે 58 દિરહામ એટલે કે 1300 રૂપિયા ચૂકવવા પડશે તેવું જાણવા મળ્યું છે.
તાજેતરમાં જ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ તેનો જન્મદિવસ ઉજવ્યો હતો, જેમાં તેણે 24 કેરેટ સોનાથી બનેલી 3 કરોડ રૂપિયાની કેક કાપી હતી. આ ઉપરાંત 24 કેરેટ સોનાનો આઇસક્રીમ મુંબઈ, સુરત અને હૈદરાબાદ સહિત અનેક જગ્યાએ ઉપલબ્ધ છે. 24 કેરેટ સોનું, પ્રીમિયમ મસાલા અને શુદ્ધ ઘીથી તૈયાર કરેલી દાળને માણવી છે? તો પહોંચી જાવ દુબઇના મોલમાં આવેલી કશ્કન રેસ્ટોરન્ટમાં