રણથંભોર ટાઈગર રિઝર્વની શાન ઝાંખી પડી, બીમારીને કારણે એરોહેડેડ ટાઈગ્રેસનું મૃત્યુ...

રણથંભોર ટાઈગર રિઝર્વની શાન ઝાંખી પડી, બીમારીને કારણે એરોહેડેડ ટાઈગ્રેસનું મૃત્યુ…

રણથંભોરઃ અહીંના રાષ્ટ્રીય ઉદ્યાનની જાણીતી વાઘણ ‘એરોહેડ’નું મૃત્યુ થયું છે. એરોહેડ, જેને T-84 તરીકે પણ ઓળખવામાં આવે છે, તે લગભગ 11 વર્ષની હતી. અધિકારીઓએ જણાવ્યું છે કે એરોહેડ વાઘણનો જન્મ ફેબ્રુઆરી 2014 માં થયો હતો. એરોહેડ રણથંભોર પાર્કની પ્રખ્યાત વાઘણ ‘મછલી’ના પરિવારની હતી. અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, એરોહેડનું મૃત્યુ મગજની ગાંઠને કારણે થયું હતું. ચાલો જાણીએ કે એરોહેડ વાઘણ વિશે વધુ માહિતી.

એરોહેડ શા માટે પ્રખ્યાત થઈ?
થોડા સમય પહેલા એરોહેડે એક જળાશયમાં મગરનો શિકાર કરતા તે ચર્ચામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો. એરોહેડ દ્વારા મગરનો શિકાર જોઈને વાઘણ ‘મછલી ‘ની યાદ આવી ગઈ હતી. વાઘણ ‘મછલી’ તેની શિકાર કુશળતાને કારણે ‘રણથંભોરની રાણી’ અને ‘મગર શિકારી’ તરીકે જાણીતી હતી. ગુરુવારે રણથંભોરના વન અધિકારીઓ અને અન્ય લોકોએ એરોહેડને શ્રદ્ધાંજલિ આપી અને પછી તેનો અગ્નિસંસ્કાર કર્યો. રણથંભોરના ક્ષેત્ર નિર્દેશક અનુપ કેઆરે જણાવ્યું હતું કે એરોહેડ મોટા ભાગે રણથંભોરના ઝોન 2, 3, 4 અને 5 માં જોવા મળતી હતી.

નલઘાટી અને રાજબાગ તળાવ તેના મુખ્ય વિસ્તારો હતા. તેમણે જણાવ્યું હતું કે એરોહેડ ફક્ત તેના આકર્ષક દેખાવ માટે જ પ્રખ્યાત નહોતી, પરંતુ તેણે વાઘની વસ્તી વધારવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. માહિતી અનુસાર, એરોહેડ કુલ 4 વખત માતા બની હતી અને 10 બચ્ચાને જન્મ આપ્યો હતો. આમાંથી 6 હજુ પણ જીવંત છે. એરોહેડ છેલ્લે 2023માં માતા બની હતી.

એક અધિકારીએ જણાવ્યું હતું કે ગુરુવારે સવારે આરટીઆર ઝોન 2 માં એરોહેડ મૃત હાલતમાં મળી આવી હતી. મળતી માહિતી મુજબ, વન વિભાગ દ્વારા તેના સંતાન કનકટીને પાર્કમાંથી બહાર લઇ ગયાના થોડા દિવસો પછી જ એરોહેડનું મૃત્યુ થયું હતું. તે લાંબા સમયથી બીમાર પણ હતી.

Kshitij Nayak

વરિષ્ઠ પત્રકાર બિઝનેસ, રાજકીય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વિવિધ પૂર્તિ તેમ જ સિટી ડેસ્કના ઈન્ચાર્જ સહિતની જવાબદારીઓ બજાવી ચૂક્યા છે. પત્રકારત્વ ક્ષેત્રે 20 વર્ષનો અનુભવ ધરાવે છે. દરેક વિષયો પર સારી એવી પકડ ધરાવે છે. More »

સંબંધિત લેખો

Back to top button