બિહાર ચૂંટણી સ્પેશિયલઃ રામવિલાસ પાસવાનને શ્રદ્ધાંજલિ આપી તેજસ્વી યાદવે આપ્યા મોટા સંકેતો?, જાણો નવી અપડેટ

પટના: બિહારમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. જેને લઈને હવે રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. એકતરફ ભાજપ પોતાના એનડીએ ગઠબંધન સાથે ચૂંટણી લડવા જઈ રહ્યું છે. ત્યારે બીજી તરફ તેજસ્વી યાદવ પોતાની આરજેડી (RJD) તથા પ્રશાંત કિશોર પોતાની જનસુરાજ પાર્ટી સાથે ચૂંટણી લડવા તૈયાર છે, પરંતુ એનડીએ ગઠબંધનની પાર્ટી લોજપાના નેતા ચિરાગ પાસવાન બેઠકોની વહેંચણીને લઈને નારાજ જણાઈ રહ્યા છે. આ બધા વચ્ચે તેજસ્વી યાદવે એક રાજનીતિની ચાલ ચાલી છે.
તેજસ્વી યાદવે રામવિલાસ પાસવાનને આપી શ્રદ્ધાંજલિ
8 ઓક્ટોબર 2020ના લોક જનશક્તિ પાર્ટી (એલજેપી)ના પૂર્વ અધ્યક્ષ રામવિલાસ પાસવાનનું નિધન થયું હતું. આજે તેઓની પાંચમી પુણ્યતિથિ છે. આ પ્રસંગે તેજસ્વી યાદવે એક્સ પર તેઓને શ્રદ્ધાંજલિ આપી છે. તેજસ્વી યાદવે એક્સ પર લખ્યું કે, “વંચિતોના હક અને સામાજિક ન્યાય માટે આજીવન સંઘર્ષ કરનારા રામવિલાસ પાસવાનજીને તેમની પુણ્યતિથિ પર ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.”
આ પણ વાંચો: બિહાર ચૂંટણીઃ મહાગઠબંધનોમાં સીટ-શેરિંગનું કોકડું ગૂંચવાયું, જાણો પેચ ક્યાં ફસાયા?
બિહારમાં વિધાનસભાની ચૂંટણીને લઈને એનડીએમાં બેઠકોની વહેંચણીને લઈને કોકડું ગૂંચવાયું છે. એવામાં એનડીએ ગઠબંધનના ચિરાગ પાસવાન પણ પોતાની બેઠકોની માંગ કરી રહ્યા છે. ત્યારે તેજસ્વી યાદવે ચિરાગ પાસવાનના પિતાને શ્રદ્ધાંજલિ આપીને તેઓને INDI ગઠબંધનમાં જોડાવા અથવા એનડીએ ગઠબંધનના સમીકરણો પર અસર પહોંચાડવાનો સંકેત આપ્યો છે. એવું રાજકીય વિશ્લેષકો અનુમાન લગાવી રહ્યા છે.
એનડીએ પાસે ચિરાગ પાસવાનની માંગ શું છે
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એલજેપી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં 45થી 54 બેઠકો પર ચૂંટણી લડવાનું લક્ષ્ય રાખી રહી છે. જેન લઈને તાજેતરમાં ચિરાગ પાસવાનની ભાજપના નેતા ધર્મેન્દ્ર પ્રધાન અને વિનોદ તાવડે સાથે દિલ્હીમાં બેઠક થઈ હતી. 2024માં થયેલી લોકસભાની ચૂંટણી અને 2020માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં પોતાના પ્રદર્શનના આધારે એલજેપી તરફથી આગામી વિધાનસભાની ચૂંટણી માટે બેઠકોની માંગ કરવામાં આવી છે. 2024ની લોકસભાની ચૂંટણીમાં એલજેપીએ પાંચ બેઠકો પર જીત મેળવી છે. જેથી આ બેઠકોના તમામ વિસ્તારમાંથી ઓછામાં ઓછી બે વિધાનસભાની બેઠકો એલજેપીને આપવામાં આવે તેવી ચિરાગ પાસવાને માંગ કરી છે. આ સિવાય પાર્ટીના મોટા નેતાઓ માટે પણ બેઠકોની માંગ કરવામાં આવી છે.
આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર: ભાજપના લાભાર્થે ચિરાગ નીતીશનો ખેલ બગાડી શકે
એલજેપીના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જો પોતાની માંગ ન સ્વીકારાઈ તો ચિરાગ પાસવાન કેન્દ્રીય પ્રધાન પરના પદ પરથી રાજીનામું આપવા માટે પણ તૈયાર છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, “મારા માટે બિહાર પહેલા, બિહારી પહેલા.” આ સાથે ચિરાગે સંકેત પણ આપ્યો છે કે, જો એનડીએ તેમની માંગ નહીં સ્વીકારે તો તેઓ જનસુરાજ પાર્ટી સાથે ગઠબંધન કરવાની સંભાવાનાઓ વિશે પણ વિચારી શકે છે.
ઉલ્લેખનીય છે કે, 2020ની બિહાર વિધાનસભાની ચૂંટણીમાં જેડીયુ સાથેની નારાજગીને કારણે ચિરાગ પાસવાને એનડીએથી અલગ રહીને અનેક બેઠકો પર ચૂંટણી લડી હતી. જેના કારણે જેડીયુને લગભગ 27 બેઠકો પર નુકસાન થયું હતું. જો આ ચૂંટણીમાં એનડીએ દ્વારા તેની માંગ ન સ્વીકારાઈ તો ફરીથી 2020ની ઘટનાનું પુનરાવર્તન થઈ શકે છે.