વિધાનસભા ચૂંટણી 2023: પૂર્વ ધારાસભ્યનો AAP પ્રત્યેનો પ્રેમ એક અઠવાડિયું પણ ન ટક્યો
‘ઝાડુ’ છોડી પાછો પકડ્યો કૉંગ્રેસનો ‘હાથ’
ભોપાલઃ ટિકિટ ન મળવાથી નારાજ થઇને કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં સામેલ થયેલા બિઓહારી વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રામપાલ સિંહ ઘરે એટલે કે કૉંગ્રેસમાં પરત ફર્યા છે. રામપાલ સિંહ આમ આદમી પાર્ટીમાં એક સપ્તાહ પણ ટકી શક્યા નથી.
મધ્ય પ્રદેશ વિધાન સભા ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા બહાર પાડવામાં આવેલી ઉમેદવારોની યાદીમાં બિઓહારી વિધાનસભાના રામપાલ સિંહનું નામ ન હતું. 2013માં ધારાસભ્ય રહી ચૂકેલા રામપાલ સિંહ આ વખતે પણ ટિકિટના પ્રબળ દાવેદાર હતા, પરંતુ કોંગ્રેસે તેમના સ્થાને યુવા ચહેરા રામલખાન સિંહને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા.
આનાથી નારાજ રામપાલ સિંહે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા. આમ આદમી પાર્ટીએ 21 ઓક્ટોબરે જાહેર કરેલી યાદીમાં તેમને બિઓહારી વિધાનસભા મતવિસ્તારના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા, પરંતુ માત્ર 6 દિવસ પછી રામપાલ આમ આદમી પાર્ટીથી દૂર થઈ ગયા અને કોંગ્રેસમાં પાછા ફર્યા હતા. રામપાલના કહેવા પ્રમાણે, તેઓ ભટકી ગયા હતા અને પોતાના ઘરે પાછા ફર્યા છે.
મધ્યપ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીએ તેના તમામ 230 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પાર્ટીમાં યાદી જાહેર થયા બાદ 7 બેઠકો પર ઉમેદવારો પણ બદલવામાં આવ્યા હતા. રાજ્યની 230 સભ્યોની વિધાનસભા માટે 21 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર સુધી નોમિનેશન ભરવાનું છે. ફોર્મ રિટર્ન 2જી નવેમ્બર સુધી રહેશે. 17 નવેમ્બરે મતદાન થશે અને 3 ડિસેમ્બરે મતગણતરી થશે.