અયોધ્યા આવનારા ભક્તોની સંખ્યામાં જોવા મળ્યો આટલો ધરખમ ઘટાડો, આ છે કારણ…
નવી દિલ્હીઃ સતત વધી રહેલાં તાપમાનને કારણે દેશવાસીઓ હેરાન-પરેશાન થઈ ગયા છે. સવારે નવ વાગ્યે પણ ઘરની બહાર નીકળતા આકરા તડકાનો સામનો કરવો પડી રહ્યો છે ત્યાં અયોધ્યા ખાતે બિરાજમાન રામ લલ્લાના મંદિરમાં સતત ઘટી રહેલી દર્શનાર્થીઓની સંખ્યા પણ એ વાતનો અંદાજો આપી રહી છે કે વધતી ગરમીની અસર ભક્તોની આસ્થા પર પણ જોવા મળી રહ્યો છે. ભક્તોની ઘટી રહેલી સંખ્યાની અસર મંદિરને મળી રહેલાં દાન અને અયોધ્યામાં ચાલી રહેલાં ઉદ્યોગ ધંધા પર પણ જોવા મળી રહી છે.
અહીંયા તમારી જાણ માટે કે જાન્યુઆરી મહિનામાં થયેલાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ આશરે દરરોજ બે લાખ ભક્તો રામ લલ્લાના દર્શન કરવા મંદિર પહોંચતા હતા અને હવે આ સંખ્યામાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. હવે આ સંખ્યામાં ત્રણ ગણો ઘટાડો જોવા મળ્યો છે હવે દરરોજ આશરે 50,000 ભક્તો જ રામ લલ્લાના દર્શન કરવા પહોંચી રહ્યા છે.
17મી એપ્રિલના રામનવમીની ઊજવણી બાદથી જ મંદિરમાં આવનારા શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે, ભક્તોની સંખ્યા ઘટવા પાછળ ગરમી, ચૂંટણીનો માહોલ, ગામમાં ઘઉંની લણમી જેવા કારણો પર જવાબદાર હોવાનું કહેવાઈ રહ્યું છે.
રામ લલ્લાના દર્શન કરીને પાછા ફરીને રહેલાં એક શ્રદ્ધાળુએ પોતાનો અનુભવ જણાવતાં કહ્યું હતું કે મંદિરમાં બિલકુલ ભીજ નથી અને એકદમ આરામથી રામ લલ્લાના દર્શન થઈ રહ્યા છે. જ્યારે અન્ય એક ભક્તે જણાવ્યું હતું કે જ્યારે હું બીજી ફેબ્રુઆરીના રામ લલ્લાના દર્શન કરવા આવ્યો હતો ત્યારે મને આશરે દોઢ કલાકનો સમય લાગ્યો હતો પરંતુ બુધવારે મને 40 મિનિટમાં જ આરામથી રામ લલ્લાના દર્શન થઈ ગયા હતા.
અયોધ્યા ખાતે પોતાની કપડાંની દુકાન ધરાવતાં એક વેપારીએ જણાવ્યું હતું સવારે 9 વાગ્યાથી જ આકરો તડકો પડી રહ્યો છે. છેલ્લાં સાત દિવસની વાત કરીએ તો બપોરે ધંધો લગભગ ઠપ્પ થઈ ગયો છે. પ્રાણ પ્રતિષ્ઠા બાદની સરખામણી કરીએ તો હાલમાં ધંધા ખૂબ જ ઠંડો પડી ગયો છે અને કમાણીમાં પણ ત્રણ ગણો જેટલો ઘટાડો જોવા મળ્યો છે.
આખા દિવસમાં રામ લલ્લાના દર્શને આવતા ભક્તોની વાત કરીએ તો તેના આંકડા નીચે પ્રમાણે છે-
17મી એપ્રિલ-એક લાખ
18મી એપ્રિલ-60 હજાર
19મી એપ્રિલ- 56 હજાર
20મી એપ્રિલ-54 હજાર
21મી એપ્રિલ-48 હજાર
22મી એપ્રિલ-63 હજાર
23મી એપ્રિલ-77 હજાર