હરિયાણામાં વિધાનસભા માટે મતદાન યથાવત: રામ રહિમે ભાજપને મત આપવા કરી અપીલ

નવી દિલ્હી: હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આજે શનિવારે મતદાન ચાલુ છે. દરમિયાન, ડેરા સચ્ચા સૌદાના મુખ્યાલયે તેના અનુયાયીઓને ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કરવાની અપીલ કરી છે. ડેરા પ્રમુખ ગુરમીત રામ રહીમ 20 દિવસના પેરોલ પર રોહતકની સુનારિયા જેલમાંથી બહાર આવ્યાના એક દિવસ બાદ આ જાહેરાત કરવામાં આવી છે. અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ ગુરુવારે મોડી રાત્રે સિરસામાં ડેરા સચ્ચા સૌદાના મુખ્યાલયમાં આયોજિત સત્સંગ દરમિયાન અનુયાયીઓને આ સંદેશ આપવામાં આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે સત્સંગ મંચ પરથી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. કેમ્પના અધિકારીઓ ખુલ્લા પ્રાંગણમાં ગયા અને બેઠકમાં હાજર રહેલા લોકોને ભાજપને મત આપવા જણાવ્યું. આશ્રમના એક પદાધિકારીએ જણાવ્યું હતું કે “અમે અનુયાયીઓને બૂથની નજીક સક્રિય રહેવા માટે પણ કહ્યું છે અને દરેક અનુયાયીએ તેની કોલોનીમાં રહેતા 5 વધુ મતદારોને મતદાન કરવા સાથે લઈ જવા જોઈએ.”
રિપોર્ટ અનુસાર, જેલથી બહાર આવ્યા બાદ ગુરમીત રામ રહીમ તેના બાગપત આશ્રમમાં રોકાયા છે. તેમણે સિરસામાં એક અધિકારી દ્વારા ભાજપને સમર્થનનો સંદેશ આપ્યો હતો. ડેરાનું ભાજપ સાથેનું સમર્થન કોઈ નવી વાત નથી. હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં દલિતોમાં ડેરા સચ્ચા સૌદાના મોટા પ્રમાણમાં અનુયાયીઓ છે. તેઓ ખુલ્લેઆમ ભાજપને સમર્થન આપી રહ્યા છે. બળાત્કાર કેસના દોષિત ગુરમીત રામ રહીમ સિંહ બુધવારે 20 દિવસની પેરોલ મળ્યા બાદ હરિયાણાની રોહતક જેલમાંથી બહાર આવ્યો હતો.