કૉંગ્રેસ આવશે તો રામ મંદિરને તાળા લાગી જશે…. જાણો સિમલા રેલીમાં મોદી શું બોલ્યા

લોકસભાની ચૂંટણીનો સમય ચાલી રહ્યો છે. છઠ્ઠા તબક્કાનું મતદાન 25 મેના રોજ અને સાતમા તબક્કાનું મતદાન પહેલી જૂને યોજાશે. ચૂંટણીમાં જીત મેળવવા તમામ પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. હિમાચલ પ્રદેશના પહાડી રાજ્યમાં લોકસભાની કુલ 4 બેઠકો છે જેના માટે 1 જૂને મતદાન થશે. વડા પ્રધાન મોદીએ શુક્રવારે શિમલામાં એક રેલીને સંબોધિત કરી હતી. તેમણે કૉંગ્રેસ અને I.N.D.I.A ગઠબંધનની આકરી ટીકા કરી હતી અને લોકોને જણાવ્યું હતું કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો રામ મંદિરને તાળા લગાવશે. આ ઉપરાંત પીએમ મોદીએ એવી અટકળોને પણ હવા આપી હતી કે ટૂંક સમયમાં સુખુ સરકારનું પતન થશે.
આપણે પીએમ મોદીના ભાષણની કેટલીક નોંધનીય વાતો જાણીએ.
1) પીએમ મોદીએ કહ્યું હતું કે હું હિમાચલ પ્રદેશની જનતા પાસે શક્તિશાળી ભારત, વિકસિત ભારત અને વિકસિત હિમાચલ બનાવવા માટે ત્રીજી વખત તમારી પાસે આશીર્વાદ લેવા આવ્યો છું.
2) પીએમ મોદીએ જણાવ્યું હતું કે અગાઉની કૉંગ્રેસ સરકાર નબળી હતી, જે આખી દુનિયામાં ભીખ માગવા જતી હતી, પણ આજનું ભારત ભીખ નહીં માગે, ઘરમાં ઘુસીને મારશે અને પોતાની લડાઇ લડશે.
3) પીએમ મોદીએ જણાવ્યું હતું કે દુશ્મનો પ્રવેશ કરી જશે એવા ડરથી કોંગ્રેસની સરકારે બોર્ડર પર રસ્તાઓ બનાવ્યા નહોતા. આવી કાયર વિચારસરણી સાથે મારા વિચારો મેળ ખાતા નથી.
4) પીએમ મોદીએ જણાવ્યું હતું કે વન રેન્ક વન પેન્શન માટે 500 કરોડ રૂપિયાનું ટોકન આપીને કૉંગ્રેસે સૈનિકોની મજાક ઉડાવી હતી. અમારી સરકારે સૈનિકોને 1.25 લાખ કરોડ રૂપિયા આપ્યા છે.
5) પીએમ મોદીએ કહ્યું હતું કે, એક તરફ મોદીની ગેરંટી છે તો બીજી તરફ કોંગ્રેસનું વિનાશનું મોડલ છે. સત્તા મેળવવા કૉંગ્રેસ ખોટું બોલે છે. 1500 રૂપિયા, ગાયનું છાણના પૈસા, એક લાખ નોકરીઓ, ગરીબી હટાવો… પણ કંઇજ નહી થયું.
6) પીએમ મોદીએ જણાવ્યું હતું કે કૉંગ્રેસ અને I.N.D.I.A ગઠબંધનમાં ત્રણ વાત સામાન્ય છે. કોમવાદ, જાતિવાદ, પરિવારવાદ. તેઓ સ્વાર્થી અને તકવાદી છે.
7) પીએમ મોદીએ જણાવ્યું હતું કે 60 વર્ષ સુધી કૉંગ્રેસે વિચાર્યું નગોતું કે સામાન્ય વર્ગના લોકો પણ ગરીબ હોઇ શકે છે. તેમને પણ અનામત આપવી જોઇએ. મોદી સરકારે તેમને 10 ટકા અનામતનું રક્ષણ આપ્યું.
8) પીએમ મોદીએ જણાવ્યું હતું કે આપણા બંધારણે SC, ST, OBCને જે આરક્ષણ આપ્યું છે તેને કૉંગ્રેસ અને I.N.D.I.A ગઠબંધન ખતમ કરીને તેમની વોટબેંકને આપવા માગે છે.
9) પીએમ મોદીએ કહ્યું હતું કે કૉંગ્રેસના એક નેતાએ કહ્યું છે કે કૉંગ્રેસ આવશે તો રામ મંદિરને તાળા લગાવી દેવામાં આવશે.
10) પીએમ મોદીએ કહ્યું હતું કે કિસાન સન્માન નિધિ ચાલુ રહેશે, લોકોને 5 કિલો મફત અનાજ અને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે અને વીજળીનું બિલ પણ શૂન્ય થશે. 3 કરોડ મહિલાઓને રોજગાર આપી લખપતિ બનાવવામાં આવશે.