Ram Mandir: રામ દરબાર ક્યારે થશે તૈયાર, મંદિરનું કેટલું કામ બાકી, જાણો અપડેટ
અયોધ્યાઃ રામ મંદિરનું ભૂમિપૂજન થઈ ગયું અને લાખો શ્રદ્ધાળુઓએ દર્શન પણ કર્યા, પરંતુ હજું સુધી નિર્માણનું કામ પૂરું થયું નથી. ત્યારે મંદિર સંપૂર્ણપણે ક્યારે તૈયાર થશે તે અંગેના મહત્વના અપડેટ આવ્યા છે.(Update on Rammandir)
રામ મંદિર નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. રામલલાના દર્શન કરવા માટે દરરોજ હજારો ભક્તો અહીં પહોંચી રહ્યા છે. રામ મંદિરના પહેલા માળ બાદ હવે બીજા માળને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ રવિવારે મંદિર નિર્માણ કાર્યની સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું કે રામ મંદિરના પહેલા માળનું કામકાજ 90 ટકા પૂર્ણ થઈ ગયું છે. જુલાઇના અંત સુધીમાં પહેલો માળ સંપૂર્ણપણે તૈયાર થઇ જશે. ત્યારબાદ રામ દરબારની સ્થાપના કરવામાં આવશે.
પહેલા માળે રામ દરબારની સ્થાપના થવાની છે. રામ દરબારમાં સ્થાપિત મૂર્તિઓ આરસની હશે. આ માટે રાજસ્થાનના ચાર શિલ્પકારો સાથે ચર્ચા કરવામાં આવી છે. ટ્રસ્ટ દ્વારા ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યા છે. આ પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. 2.7 એકરમાં ફેલાયેલા રામ મંદિરનું નિર્માણ ગુલાબી સેંડસ્ટોનથી કરવામાં આવ્યું છે. મંદિર એક વિશાળ પ્રાંગણથી ઘેરાયેલું છે અને તેમાં અન્ય હિંદુ દેવતાઓને સમર્પિત કેટલાક નાના મંદિરો છે. મંદિરની સૌથી આકર્ષક વિશેષતા વિશાળ શાલિગ્રામ પથ્થર છે, આ કાળો પથ્થર ભગવાન રામનું પ્રતિનિધિત્વ કરે છે અને નેપાળની ગંડકી નદીમાંથી લાવવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.
અયોધ્યામાં 161 ફૂટ ઉંચા રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. પહેલો માળ ભગવાન રામને સમર્પિત છે. અહીં રામ દરબારની સ્થાપના થશે. બીજો માળ ભગવાન હનુમાનને સમર્પિત છે, અને ત્રીજો માળ અયોધ્યાના ઇતિહાસ અને સંસ્કૃતિનું પ્રદર્શન કરતું સંગ્રહાલય છે. ત્રણ માળના રામ મંદિરમાં દરેક માળની ઊંચાઈ 20 ફૂટ હશે. તેના ગ્રાઉન્ડ ફ્લોર પર 160 સ્તંભ હશે, જ્યારે રામ મંદિરમાં કુલ 392 સ્તંભ હશે. આ સિવાય રામ મંદિરમાં કુલ 44 ભવ્ય અને મોટા દરવાજા પણ હશે. મંદિરના ગ્રાઉન્ડ ફ્લોર પર ગર્ભગૃહ હશે. જેમાં ભગવાન શ્રી રામનું બાળ સ્વરૂપ જોવા મળશે.