રામ મંદિરઃ આંદોલનના મુખ્ય ચહેરો ગણાતા વિનય કટિયારને જ આમંત્રણ નહીં!
અયોધ્યાઃ અયોધ્યામાં ભગવાન રામના મંદિરના ઉદ્ઘાટન સમારોહ માટે દેશ વિદેશથી મહેમાનોને આમંત્રિત કરવામાં આવી રહ્યા છે. ઉદ્ઘાટન સમારોહમાં દેશના દરેક વર્ગ અને સમાજ, દરેક ધર્મ અને દરેક સંપ્રદાયના પ્રતિનિધિઓને આમંત્રિત કરવામાં આવી રહ્યા છે, પરંતુ રામ મંદિર આંદોલનનો મુખ્ય ચહેરો એવા વિનય કટિયારને જ રામ મંદિર ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપવા માટે હજી સુધી સંપર્ક કરવામાં નથી આવ્યો. વિનય કટિયાર રામ મંદિર આંદોલનનો એક મોટો ચહેરો છે. તેમને બજરંગ દળના સ્થાપક તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમના નેતૃત્વમાં વિશ્વ હિંદુ પરિષદ અનેક મોટા આંદોલનો કર્યા છે.
વિનય કટિયાર અયોધ્યામાં રહે છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનું મુખ્યાલય પણ અયોધ્યામાં જ છે. રામ મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમની તમામ તૈયારીઓ અહીંથી થઈ રહી છે. તેમ છતાં હજી સુધી રામ મંદિર ટ્રસ્ટના કોઇ પણ સભ્યએ વિનય કટિયારને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે સંપર્ક કર્યો નથી. આ વાતથી ઘણા લોકોને આશ્ચર્ય થયું છે. જોકે, રામ મંદિર આંદોલનના મુખ્ય ચહેરો રહેલા ઉમા ભારતીને આ કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
જોકે, આ બાબતે વિશ્વ હિંદુ પરિષદના રાષ્ટ્રીય પ્રવક્તાએ જણાવ્યું હતું કે કાર્યક્રમ માટે મહેમાનોને આમંત્રિત કરવાની પ્રક્રિયા હજી ચાલી રહી છે. હજુ પણ ઘણા લોકોને આ કાર્યક્રમ માટે આમંત્રણ મોકલવામાં આવી રહ્યા છે. આ પ્રક્રિયા ડિસેમ્બર મહિનાના અંત સુધી ચાલુ રહેશે. આવી સ્થિતિમાં, એવું ન કહેવું જોઈએ કે કાર્યક્રમ માટે કોઈને આમંત્રણ આપવામાં આવ્યું નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ સમગ્ર સૃષ્ટિના સ્વામી ભગવાન રામના મંદિરના ઉદ્ઘાટનનો કાર્યક્રમ છે. આના માટે આમંત્રણની રાહ જોવી જોઇએ નહીં. આ કાર્યક્રમ માટે દેશના દરેક વ્યક્તિને 22 જાન્યુઆરીએ તેમના નજીકના મંદિરમાં પહોંચવા અને તેને અયોધ્યાનું મંદિર માનીને સવારે 11 થી 2 વાગ્યાની વચ્ચે ઉદ્ઘાટન પૂજામાં ભાગ લેવા વિનંતી કરવામાં આવી છે. દેશના દરેક વર્ગ, સમુદાય, ધર્મના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. સનાતન ધર્મમાં આમંત્રણ વિના પણ પૂજામાં હાજરી આપવી એ સૌભાગ્ય ગણાય છે. તેથી દરેક વ્યક્તિને તેમના ઘરની નજીક આવેલા મંદિરને રામ મંદિર ગણવું જોઇએ અને આમંત્રણની રાહ જોયા વિના વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપવી જોઈએ.
આ પહેલા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને રામના મંદિરના ઉદ્ઘાટન સમારોહ માટે આમંત્રણ નહીં આપવા મુદ્દે ભારે હોબાળો થયો હતો. જોકે, ત્યાર બાદ વીએચપીએ સ્પષ્ટતા કરી હતી કે તેણે આ બંને દિગ્ગજ નેતાઓને ઉદ્ઘાટન સમારોહમાં આવવા માટે વિનંતી કરી છે. આ ઉપરાંત વિપક્ષી નેતા સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે વગેરેને પણ રામના મંદિરના ઉદ્ઘાટન સમારોહ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.