કોંગ્રેસે રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાને ગણાવ્યો ભાજપનો કાર્યક્રમ, કહ્યું ધાર્મિક અનુષ્ઠાન નેતાઓ નહિ, સાધુસંતોનું કામ

નવી દિલ્હી: અયોધ્યાના 22 જાન્યુઆરીના કાર્યક્રમના મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સતત આક્ષેપો અને પ્રતિ આક્ષેપોનો ઘટનાક્રમ ચાલી રહ્યો છે. તો બીજી તરફ કોંગ્રેસ આ કાર્યક્રમને ભાજપનું રાજકીય આયોજન ગણાવી રહી છે, જેને પગલે વિવાદનો મધપૂડો છંછેડાયો છે. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના હવનકુંડમાં દરેક જગ્યાએથી નિવેદનોની આહુતિ અપાઇ રહી છે.
ભાજપે કોંગ્રેસના માંધાતાઓને અયોધ્યાના કાર્યક્રમના સાક્ષી બનવા માટે આમંત્રણ તો મોકલ્યું હતું, પરંતુ કોંગ્રેસે તેનો અસ્વીકાર કરતા ભાજપે આક્ષેપ કર્યો હતો કે જો તેમને મજારની મુલાકાત લેવામાં સંકોચ નથી તો મંદિર માટે ખચકાટ કેમ? આ વાત પર કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરીને જવાબ આપ્યો હતો, તેણે કહ્યું હતું કે કર્ણાટક ભાજપે રામમંદિરની સોશિયલ મીડિયા પોસ્ટમાં ભગવાનને આંગળી પકડીને મોદી લઇ જતા હોય તેવી તસવીર બનાવી હતી, શું મોદી રામથી પણ મોટા થઇ ગયા? આ કોઇ ધાર્મિક કાર્યક્રમ નથી પરંતુ એક રાજકીય આયોજન છે. કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનાતે એ પણ પત્રકાર પરિષદ સંબોધીને જણાવ્યું હતું કે ધર્મ-જાતિ એ વ્યક્તિગત આસ્થાનો વિષય છે અને ધાર્મિક અનુષ્ઠાનોમાં તેને લગતા જે નિયમો હોય તેનું પાલન થવું જોઇએ.
સુપ્રિયા શ્રીનાતેએ જણાવ્યું હતું કે “ચારેય શંકરાચાર્યોનું કહેવું છે કે ધાર્મિક અનુષ્ઠાનોની પદ્ધતિ, તેની વિધિ ધાર્મિક લોકો પર છોડી દેવી જોઇએ. રામ રાજ્યમાં 44 ટકા બેરોજગારી દર ચાલી રહ્યો છે. રામ રાજ્યમાં તો નોકરી મળવી જોઇએ ને? ધાર્મિક અનુષ્ઠાનોનું કામ સાધુ-સંતોએ કરવું જોઇએ, જો કે એ કામ ભાજપે હાથ પર લઇ લીધું છે. ભાજપે દેશના ભાગલા કર્યા અને હવે સનાતનના ભાગલા કરી રહ્યો છે.” એ પછી પવન ખેરાએ જણાવ્યું હતું કે, “શું ભગવાનના મંદિરમાં આમંત્રણ હોય તો જ જવાય? કઇ તારીખે કઇ શ્રેણીના મહેમાનો સામેલ થઇ શકશે તે બધી વાતોનો નિર્ણય એક રાજકીય પક્ષ કરશે? પામર મનુષ્યને આ સત્તા નથી. મનુષ્ય મનુષ્યને ન તો મંદિરમાં જવા માટે બોલાવી શકે ન તો મંદિરે જતા રોકી શકે. કોઇપણ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા વિધિનું એક વિધાન હોય છે, શાસ્ત્રોક્ત નિયમો હોય છે. ચારેય પીઠના શંકરાચાર્ય સ્પષ્ટપણે કહી શક્યા છીએ કે એક અધૂરા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ન કરી શકાય, તે અશુભ કહેવાય. આથી આ કાર્યક્રમ ધાર્મિક નથી, રાજકીય છે.” તેવું પવન ખેરાએ ઉમેર્યું હતું.