નેશનલ

અયોધ્યાના ગર્ભગૃહમાં ભગવાન શ્રી રામની શ્યામ રંગની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે….

અયોધ્યા: ભગવાન શ્રી રામની શ્યામ વર્ણની મૂર્તિ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપના કરવામાં આવશે. 29 ડિસેમ્બરના રોજ ભગવાન રામની બનેલી ત્રણ મૂર્તિઓમાંથી એક મૂર્તિ પસંદ કરવામાં આવી હતી. જેમાં શ્યામ વર્ણની બે મૂર્તિઓ બનાવવામાં આવી હતી. જેમાંથી ગર્ભગૃહમાં ઘેરા રંગની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. ભગવાન શ્રી રામનો રંગ શ્યામ હતો આથી શ્યામ રંગની મૂર્તિ સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભગવાન રામની પ્રથમ મૂર્તિ ગણેશ ભટ્ટ દ્વારા બનાવવામાં આવી હતી તેમજ બીજી મૂર્તિ સત્યનારાયણ પાંડેએ બનાવી હતી. જ્યારે ત્રીજી પ્રતિમા અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવી છે. મંદિરના ગર્ભગૃહમાં બે મૂર્તિઓ રાખવામાં આવશે. એક મૂર્તિ જે અગાઉ તંબુમાં હતી તેની આજે પણ પૂજા થાય છે. આથી તે પણ ગર્ભગૃહમાં રાખવામાં આવશે. જ્યારે બીજી નવી બનેલી મૂર્તિ મૂકવામાં આવશે. નવી મૂર્તિને એવી રીતે સ્થાપિત કરાવમાં આવશે કે તેને દૂરથી પણ સરળતાથી જોઈ શકાશે.


નોંધનીય છે કે અયોધ્યામાં રામ મંદિર લગભગ તૈયાર થઈ ગયું છે. પ્રાણ પ્રતિષ્ઠા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મુખ્ય યજમાન બનાવવામાં આવ્યા છે. 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ યોજાશે. આ માટે અનેક ધર્મગુરુઓ અને અનેક નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઋષિ-મુનિઓ પણ ભાગ લેશે.


ગર્ભગૃહમાં રામલલાની મૂર્તિને લઈને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક પણ યોજાઈ હતી. આ બેઠકમાં પ્રતિમાની પસંદગી અંગે ચર્ચા કરવામાં આવી હતી. મંદિર ટ્રસ્ટના સચિવ ચંપત રાયે જણાવ્યું હતું કે ભગવાન રામને પ્રતિબિંબિત કરતી 51 ઇંચની ઉંચી પ્રતિમાને ત્રણ ડિઝાઇનમાંથી પસંદ કરવામાં આવી છે. જેમાંથી એક પ્રતિમા કે જેના મુખ પર બાળક જેવું હાસ્ય હશે તેની પસંદગી કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button