રામ મંદિરના નિર્માણથી કરોડો હિન્દુઓનું સપનું સાકાર થયું: કોણે આપ્યું મહત્વનું નિવેદન

હૈદરાબાદ: પૂર્વ મુખ્ય પ્રધાન અને BRS ચીફ KCRની પુત્રી કાલ્વકુંતલા કવિતાએ દસ ડિસેમ્બરના રોજ અયોધ્યામાં નિર્માણ થઈ રહેલા રામ મંદિરની પ્રશંસા કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો જેમાં તેમણે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો વીડિયો શેર કર્યો અને લખ્યું હતું કે હિન્દુઓ માટે આ એક સ્વપ્ન સાકાર થવા જેવું છે. આ ઉપરાંત તેમણે લખ્યું હતું કે અયોધ્યામાં શ્રી સીતારામ ચંદ્ર સ્વામીની પ્રતિમા સ્થાપિત થવી એ ઘણો મોટો શુભ અવસર છે. જે કરોડો હિન્દુઓની આસ્થા છે તે સ્વપ્ન સાકાર થવા જઇ રહ્યું છે. તેલંગણા સહિત સમગ્ર દેશ તેનું સ્વાગત કરે છે.
ભગવાન રામની મૂર્તિ જ્યાં રાખવામાં આવશે તે મંદિરના ગર્ભગૃહનું કામ પૂર્ણતાના આરે છે. શ્રી રામ જન્મભૂમિ તીરથ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરીએ નવ ડિસેમ્બરના રોજ સોશિયલ મિડીયા પર ગર્ભગૃહની તસવીરો શેર કરી હતી.
નોંધનીય છે કે 22 જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિરમાં પ્રભુ રામની પ્રતિષ્ઠાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે, જેના માટે પીએમ મોદી, યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને બીજા હજારો પ્રતિનિધિઓને આમંત્રણ મોકલવામાં આવ્યા છે. અઠવાડિયા સુધી ચાલનારા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના પ્રસંગે 17 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં ભગવાન રામની ઝાંખી કાઢવામાં આવશે. આ ઝાંખીમાં ભગવાન રામના જન્મથી લઈને તેમના વનવાસ, લંકા પર વિજય અને અયોધ્યા પાછા ફરવા સુધીની તસવીરો જોવા મળશે.
આ ઝાંખીમાં તમામ બાબતોને આવરી લેવા માટે અત્યાર સુધીમાં ભગવાન રામની કુલ 100 મૂર્તિઓ તૈયાર કરવામાં આવી છે. આ શોભાયાત્રા બાદ રામલલાની નવી મૂર્તિને નવનિર્મિત રામ મંદિરના પવિત્ર ગર્ભગૃહમાં શ્થાપિત કરવામાં આવશે. ટ્રસ્ટના જનરલ સેક્રેટરીએ લોકોને ખાસ અપીલ કરીને કહ્યું હતું કે જેમને આમંત્રણ આપવામાં આવ્યું નથી તેઓ અયોધ્યા ન આવે. તેઓ પોત પોતાના ઘરોમાં પૂજા કરે અને નજીકના મંદિરોમાં પૂજા કરે. અને જ્યારે આ મહોત્સવ શાંતિપૂર્વક પૂરો થાય પછી દર્શન કરવા આવે જેથી તમામની સુવિધા જળવાઇ રહે.