Ram Mandir: રામ મંદિરનો અભિષેક પીએમ મોદીને જ ભારે પડશે, જાણો કોણે કહ્યું આમ

નવી દિલ્હીઃ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ રાજકારણ પણ ગરમાતું જાય છે. કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરે એક નિવેદનમાં કહ્યું છે કે રામ મંદિરનો અભિષેક કરવાથી પીએમ મોદીને જ નુકસાન થશે. વાસ્તવમાં, મણિશંકર ઐયરે આ વાત શંકરાચાર્યોની કથિત નારાજગી મુદ્દે કહી હતી. મણિશંકર ઐયર કેરળ લિટરેચર ફેસ્ટિવલની સાતમી આવૃત્તિમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે ચાર શંકરાચાર્યોએ મોદીના રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવા અને ધાર્મિક વિધિઓ કરવા પર નારાજગી વ્યક્ત કરી છે. હિંદુ ધર્મમાં શંકરાચાર્યનું સ્થાન ઘણું ઊંચું છે. આ બધાથી પીએમ મોદીને જ નુકસાન થશે.
મણિશંકર ઐયરે કહ્યું કે મોટા ભાગના હિંદુઓએ ક્યારેય હિંદુત્વને મત આપ્યો નથી. ઐયરે કહ્યું કે હિંદુ ધર્મ એ ભારતનો સૌથી જૂનો ધર્મ છે અને દેશનો બહુમતી સમાજ તેને અનુસરે છે. જ્યારે હિન્દુત્વ એ એક રાજકીય ફિલસૂફી છે. વાસ્તવમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ઉત્તરાખંડના જ્યોતિર્મઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું છે કે ચારેય શંકરાચાર્ય અયોધ્યામાં રામ મંદિરના અભિષેક કાર્યક્રમમાં ભાગ નહીં લે. તેમનું કહેવું છે કે નિર્માણ કાર્ય પૂર્ણ થાય તે પહેલા જ મંદિરનો અભિષેક કરવામાં આવી રહ્યો છે, જે શાસ્ત્રો અનુસાર યોગ્ય નથી. તેમના આ નિવેદને કૉંગ્રેસના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ન જવાના નિર્ણયને આડકતરી રીતે યોગ્ય સાબિત કર્યો છે.
કાર્યક્રમ દરમિયાન મણિશંકર અય્યરે તેમના પુસ્તક The Rajiv I knew and Why he was India’s most misunderstood Prime Minister વિશે પણ ચર્ચા કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે બોફોર્સ કૌભાંડમાં પૂર્વ પીએમ રાજીવ ગાંધી પર લાગેલા તમામ આરોપો ખોટા છે અને તેનો કોઈ આધાર નથી. બોફોર્સ કૌભાંડના આરોપોને કારણે રાજીવ ગાંધીની કોંગ્રેસ સરકારને 1989માં લોકસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. રાજીવ ગાંધી સરકાર પર 1986માં 1,437 કરોડ રૂપિયાના બોફોર્સ તોપ સોદામાં કૌભાંડનો આરોપ હતો. મણિશંકર ઐયર રાજીવ ગાંધીની સરકારમાં વડાપ્રધાન કાર્યાલયમાં સંયુક્ત સચિવ હતા. બોફોર્સ કૌભાંડમાં રાજીવ ગાંધી પર લાગેલા આરોપો માટે ઐયરે મીડિયાને જવાબદાર ગણાવ્યું હતું.