Ram Mandir: રામ લલ્લાની મૂર્તિનો ફોટો લીક થતા રામ મંદિરના મુખ્ય પૂજારી રોષે ભરાયા, તપાસની માંગ
અયોધ્યા: 22 જાન્યુઆરીએ અયોધ્યા મંદિરમાં રામ લલ્લાની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા ગઈ કાલે શુક્રવારે રામલલ્લાની મૂતિની તસ્વીર સોશિયલ મીડિયા પર લીક થઇ ગઈ હતી, જે તમામા સોશીયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ઝડપથી વાયરલ થઇ હતી. આ અંગે શ્રી રામ જન્મભૂમિના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે આજે નારાજગી વ્યક્ત કરી હતી અને તપાસ કરવાની માંગ કરી છે.
રામ મંદિર સમારોહ અંગે આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું, “… જ્યાં નવી મૂર્તિ છે, ત્યાં પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ કરવામાં આવી રહી છે. મૂર્તિને અત્યારે કપડાંથી ઢાંકી દેવામાં આવી છે. મૂર્તિની ખુલ્લી આંખો વાળી તસ્વીર જાહેર થઇ ગઈ એ યોગ્ય નથી. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા આંખો ના ખુલે, પરંતુ આવી તસવીર બધે જ દેખાઈ રહી છે, આ કૃત્ય કોણે કર્યું તેની તપાસ થવી જોઈએ.”
ગર્ભગૃહમાંથી રામ લલ્લાનો ફોટો લીક થયા બાદ અધિકારીઓએ પણ ચિંતા વ્યક્ત કરી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ હવે રામ લલ્લાનો ફોટો લીક કરવા બદલ દોષિતો સામે કાર્યવાહી કરવા ગંભીરતાથી વિચારી રહ્યું છે.
ટ્રસ્ટને શંકા છે કે રામ લલ્લાનો જે ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે તે મંદિરના સ્થળ પર નિર્માણ કાર્ય સાથે જોડાયેલા કોઈ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો છે. રામલલાનો ફોટો વાયરલ કરનાર અધિકારીઓ સામે ટ્રસ્ટ કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે.