અયોધ્યાઃ રામભક્તો જેની વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા એ અયોધ્યાનગરીને શાનદાર લાઈટિંગ, ફૂલોથી સજાવવામાં આવ્યું છે ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની હવે ઘડીઓ ગણાઈ રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અન્ય મહાનુભાવો આ સમારોહમાં ઉપસ્થિત રહેશે. સમગ્ર અયોધ્યાનગરીને 30 ટન ફૂલોથી સજાવવામાં આવ્યું છે, જ્યારે રામ મંદિરને રંગબેરંગી લાઈટિંગ અને ફૂલોથી દુલ્હનની માફક સજાવ્યું છે.
રામ મંદિરની અંદર અને બહારના ભાગને ફૂલોથી સજાવવામાં આવ્યા છે. શાનદાર લાઈટિંગને કારણે મંદિર સુંદર લાગી રહ્યું છે, જ્યારે મુખ્ય દરવાજાને અલગ અલગ પ્રકારના ફૂલોથી ડેકોરેશન કરવામાં આવ્યું છે, જ્યારે તેને જોઈને લોકોનું દિલ ખુશ થઈ ગયું છે.
અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારા માટે મહત્ત્વના પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે. એન્ટ્રી વખતે ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ લઈ જવાની મનાઈ રહેશે, મહેમાનોએ અગિયાર વાગ્યા પહેલા એન્ટ્રી લેવાની રહેશે. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ પછી લોકો દર્શન કરી શકશે.
મંદિરમાં દર્શન કરવા જતી વખતે મોબાઈલ ફોન, ઈયર ફોન, રિમોટવાળી વોચ સહિત અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે. જો કોઈ સિક્યોરિટી ગાર્ડ સાથે પણ આવ્યું હશે તો ગાર્ડને બહાર રહેવું પડશે. મંદિરના પ્રવેશ વખતે કોઈ ડ્રેસકોડ રાખવામાં આવ્યો નથી, પરંતુ અભિષેકના કાર્યક્રમમાં પુરુષો ધોતી, ગમછા, કુર્તા-પાયજામા અને મહિલાઓ સલવાર સૂટ અથવા સાડીમાં જઈ શકે છે.
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ટેલિવિઝન અને ઓનલાઈન મંચ પરથી લાઈવ ટેલિકાસ્ટ કરવાની અપેક્ષા છે. ભગવાન રામના જન્મસ્થળ અયોધ્યામાં મહોત્સવ મનાવવાની સાથે દેશભરમાં સેલિબ્રેશન કરવામાં આવશે, ત્યારે વિદેશમાં પણ વોશિંગ્ટન ડીસી, પેરિસ અને સિડનીમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમો 60 દેશમાં વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ) દ્વારા આયોજન કર્યું છે.
ઉલ્લેખનીય છે કે મૈસુરના શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી રામલલ્લાની 51 ઇંચની નવી મૂર્તિને ગુરુવારે મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવી હતી. કપડાથી આંખો ઢાંકેલી નવી પ્રતિમાનો પહેલો ફોટો શુક્રવારે રિલીઝ કરવામાં આવ્યો હતો. મંદિરમાં પ્રવેશ પૂર્વ દિશામાંથી થશે અને બહાર નીકળો દક્ષિણ દિશામાંથી થશે. મંદિરનું આખું સ્ટ્રક્ચર ત્રણ માળનું છે. મુખ્ય મંદિર સુધી પહોંચવા માટે ભક્તોએ પૂર્વ દિશામાંથી 32 પગથિયાં ચઢવા પડશે.
પરંપરાગત નાગર શૈલીમાં બનાવેલ મંદિરનું સંકુલ 380 ફૂટ લાંબુ (પૂર્વ-પશ્ચિમ દિશા), 250 ફૂટ પહોળું અને 161 ફૂટ ઊંચું છે. ઉપરાંત, મંદિરનો દરેક માળ 20 ફૂટ ઊંચો અને તેમાં કુલ 392 થાંભલા અને 44 દરવાજા છે.
પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ આવતીકાલે 12.20 વાગ્યે શરુ થશે, જ્યારે એક વાગ્યા સુધીમાં પૂરો થશે. ત્યાર પછી આયોજનના સ્થળે સંતો સહિત સેંકડો ઉદ્યોગપતિ, વીવીઆઈ મહાનુભાવોને પીએમ મોદી સંબંધશે.