રામલલ્લાની 3 પ્રતિમાઓ બનાવવામાં આવી રહી છે, શ્રેષ્ઠ પ્રતિમાને જ ગર્ભગૃહમાં સ્થાન મળશે

અયોધ્યા: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. મળતી માહિતી મુજબ રામ લાલાની ત્રણ મૂર્તિઓ બનાવવામાં આવી રહી છે, જેમાંથી “શ્રેષ્ઠ” મૂર્તિને ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે. રામ લલ્લાની મૂર્તિઓ ત્રણ શિલ્પકાર ગણેશ ભટ્ટ, અરુણ યોગીરાજ અને સત્યનારાયણ પાંડે બનાવી રહ્યા છે.
મંદિર ટ્રસ્ટનું કહેવું છે કે ત્રણ મૂર્તિઓમાંથી એકને જ મંદિરના ગર્ભગૃહમાં રાખવામાં આવશે, જ્યારે અન્ય બેને રામ મંદિર પરિસરના અન્ય ભાગોમાં રાખવામાં આવશે. ટ્રસ્ટે કહ્યું, જે રામ લલ્લાની પ્રતિમામાં પાંચ વર્ષના બાળકની કોમળતાનો અનુભવ થશે, તે જ પ્રતિમાને પસંદ કરવામાં આવશે.
નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થશે. આવતા વર્ષે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનું લોકાર્પણ થશે.
મળતી માહિતી મુજબ અભિષેક સમારોહ માટેની વૈદિક વિધિ મુખ્ય સમારોહના એક અઠવાડિયા પહેલા 16 જાન્યુઆરીએ શરૂ થઇ જશે. અભિષેક સમારોહમાં મુખ્ય વિધિ ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ અને લક્ષ્મીકાન્ત દીક્ષિત દ્વારા કરવામાં આવશે. સ્થાનિક તંત્રએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે મુલાકાતીઓમાં અપેક્ષિત વધારા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
અધિકારીઓએ જણાવ્યું કે સુરક્ષાના હેતુથી સમગ્ર શહેરમાં કેમેરા લગાવવામાં આવ્યા છે. સુરક્ષાની સમીક્ષા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે.
અયોધ્યામાં લાખો શ્રદ્ધાળુઓને ભોજન પીરસવાની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. મંદિર ટ્રસ્ટે જણાવ્યું હતું કે, શહેરના દરેક ખૂણે લંગર, ભોજન વિતરણ કેન્દ્રો અને ભોજન ક્ષેત્રો સ્થાપિત કરવામાં આવશે.