અયોધ્યામાં ‘રામ કી દિવાલી’નું આયોજન, સરયુઘાટ પર લાખો લોકો આરતીનો લાભ લેવા ઉમટ્યા
ઉત્તરપ્રદેશ: અયોધ્યામાં સરયુ ઘાટ પર દિવાળીના તહેવાર નિમિત્તે દિવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. અયોધ્યામાં નવનિર્મિત શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ આગામી જાન્યુઆરીમાં યોજાનાર છે જેને પગલે ચારેયબાજુ આનંદનો માહોલ છે. 22 જાન્યુઆરીના કાર્યક્રમ પહેલા અયોધ્યામાં ‘રામ કી દિવાલી’નું આયોજન કરાયું છે, રામકી પૈડી પર પણ ભવ્ય લેઝર શો યોજાયો છે.
રામલલાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સ્વમાં ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને આમંત્રણ આપવામાં આવ્યું છે. મુખ્ય અતિથી તરીકે પીએમ મોદી ઉપસ્થિત રહેશે. દેશના ચાર હજારથી વધુ સંતો તથા 2500 પ્રતિષ્ઠિત મહેમાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે.
સીએમ યોગી આદિત્યનાથે સરયુ નદીના કિનારે સ્થિત રામકથા મંડપ ખાતે કેબિનેટના મંત્રીઓ સાથે હનુમાન ગઢી અને રામ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. કેબિનેટે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ વિકાસ પરિષદની રચનાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી છે. યોગી આદિત્યનાથે કહ્યું કે ભવ્ય રામ મંદિરના નિર્માણ બાદ અયોધ્યામાં આવનાર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓને ધ્યાનમાં રાખીને શ્રી અયોધ્યા ધામ તીર્થ વિકાસ પરિષદની રચનાનો પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવ્યો છે. આ સાથે અયોધ્યાના માંઝા જામથારામાં મંદિર સંગ્રહાલય માટે 25 એકર જમીન ફાળવવાના પ્રસ્તાવને પણ બેઠકમાં લીલી ઝંડી આપવામાં આવી હતી.