રાજ્યસભા પેટાચૂંટણી: ભાજપના ઉમેદવાર તરીકે મમતા મોહંતાએ ઉમેદવારીપત્ર ભર્યું
ભુવનેશ્વર: કુડમી સમુદાયના અગ્રણી નેતા મમતા મોહંતાએ આજે ઓડિશાથી રાજ્યસભાની પેટાચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ઉમેદવાર તરીકે પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું. રાજ્યસભાની પેટાચૂંટણી માટે નામાંકન ભરવાનો અંતિમ દિવસ હતો, જ્યારે વિધાનસભા સંકુલમાં નામાંકન પત્ર ભરતી વખતે મુખ્ય પ્રધાન મોહન ચરણ માઝી અને અનેક સાંસદો, વિધાનસભ્યો અને મંત્રીઓ તેમની સાથે હતા.
ઓડિશાની 147 સભ્યની વિધાનસભામાં ભાજપના સંખ્યાબળને ધ્યાનમાં લેતા મોહંતા પેટાચૂંટણી જીતશે અને રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાશે તે નિશ્ચિત માનવામાં આવે છે. ઓડિશાની આ રાજ્યસભા બેઠક 31 જુલાઈના રોજ મોહંતાએ બીજુ જનતા દળ (બીજેડી) છોડવા અને ઉપલા ગૃહના સભ્યપદેથી રાજીનામું આપ્યા બાદ ખાલી પડી હતી. મોહંતા પહેલી ઓગસ્ટના રોજ ભાજપમાં જોડાયા હતા.
ઓડિશા વિધાનસભામાં ભાજપ પાસે 74, બીજેડીના 51 અને કોંગ્રેસ પાસે 14 સભ્ય છે. રાજ્યની વિધાનસભામાં ત્રણ અપક્ષ ધારાસભ્ય અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્કસિસ્ટ (સીપીઆઇ-એમ)ના એક સભ્ય છે.
આ પણ વાંચો: ભાજપને ઉત્તર પ્રદેશમાં બધી જ પેટાચૂંટણી જીતવાનો વિશ્વાસ: રાજકીય નિષ્ણાતોને અવિશ્વાસ
ઉમેદવારી નોંધાવ્યા બાદ મોહંતાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને મુખ્યમંત્રી માઝીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ઓડિશાના લોકો અને તેમના સમુદાયના કલ્યાણ માટે કામ કરવાનું પણ વચન આપ્યું હતું. માઝીએ રાજ્યસભા પેટાચૂંટણીમાં મોહંતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે “અમને આશા છે કે તે વિજયી બનશે અને રાજ્યસભામાં ઓડિશાનું પ્રતિનિધિત્વ કરશે.
મોહંતા એપ્રિલ 2020માં બીજેડી તરફથી રાજ્યસભા માટે ચૂંટાયા હતા. જો કે, તેમણે તેમની છ વર્ષની મુદત પૂરી થવાના 18 મહિના પહેલા ઉપલા ગૃહમાંથી રાજીનામું આપી દીધું હતું. ઓડિશામાં રાજ્યસભાની 10 બેઠકમાંથી હાલમાં 8 બીજેડી અને એક ભાજપ પાસે છે, જ્યારે એક બેઠક ખાલી છે. નવ રાજ્યમાં રાજ્યસભાની 12 બેઠક માટે 3 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે. ઉમેદવારી પત્રોની ચકાસણી 22 ઓગસ્ટે હાથ ધરવામાં આવશે, જ્યારે 27 ઓગસ્ટ સુધી તમે તમારું નામાંકન પાછું ખેંચી શકો છો.