રાજપીપળા માં લગ્નના જમણવાર બાદ 39 લોકોને Food Poisoning,આરોગ્ય વિભાગ એકશનમાં

રાજપીપળા : નર્મદા જિલ્લામાં રાજપીપળાના ટેકરા ફળિયામાં લગ્નપ્રસંગના જમણવારમાં ફૂડ-પોઇઝનિંગની(Food Poisoning)ઘટના બની છે. લગ્નમાં જમણવાર બાદ એક કલાકમાં કેટલાક લોકોને પેટમાં દુખાવો, ઝાડા અને અમુકને માત્ર ઊલટી તો કેટલાક લોકોને ઝાડા-ઊલટીની ફરિયાદ થઇ હતી. આ ઘટનાને પગલે ટેકરા ફળિયા વિસ્તમાં ભાગદોડ મચી હતી. અસરગ્રસ્તો ખાનગી હોસ્પિટલમાં તો કેટલાક સરકારી હોસ્પિટલમાં સારવાર માટે પહોચ્યા હતાં. આ ઘટનાની જાણ થતાં રોગચાળા અધિકારી સહિત આરોગ્યની ટીમ સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલ ખાતે પહોંચી હતી.
ઝાડા-ઊલટીના 19ના કેસ સહિત કુલ 39 કેસ નોંધાયા
આ અંગે નર્મદા જિલ્લા મુખ્ય રોગચાળા અધિકારીએ જણાવ્યું હતું કે, રાજપીપળાના ટેકરા ફળિયામાં લગ્ન પ્રસંગ હતું. લગ્ન પ્રસંગ અંગે તપાસ કરતા 3000 માણસોની રસોઈ બનાવાઈ હતી. પ્રાથમિક તપાસમાં આ ઘટના પનીર ખાવાથી બની હોય તેમ જણાય છે. કેટલાક લોકો ખાનગી દવાખાનામાં ગયા છે. સિવિલ હોસ્પિટલમાં ઝાડાના નવ અને ઊલ્ટીના 11 આ સાથે ઝાડા-ઊલટીના 19ના કેસ સહિત કુલ 39 કેસ નોંધાયા છે.
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, કેટલાક લોકો ખાનગી દવાખાનામાં ગયા છે. આરોગ્યની ટીમ સતત તૈનાત થઈ જરૂરી તપાસ કરી રહી છે. બધા જ મહેમાનોની તબિયત સારી છે.