“2024 તો શું 2029 માં પણ નરેન્દ્ર મોદી જ દેશના વડાપ્રધાન!” વડાપ્રધાનની નિવૃતિને લઈને રાજનાથસિંહનું નિવેદન

નવી દિલ્હી : હાલમાં જ આપના પ્રમુખ અરવિંદ કેજરીવાલે આવનાર સમયમાં નરેન્દ્ર મોદીની નિવૃતિને લઈને કરેલી ટિપ્પણી પર ભારતનું રાજકારણ ગરમાયું છે. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે એક વર્ષ બાદ જ્યારે વડાપ્રધાન મોદી 75 વર્ષના થશે એટલે તેઓ રાજીનામું આપી દેશે અને અમિત શાહને વડાપ્રધાન બનાવશે. આ મામલે સતા પક્ષના નેતાઓએ તેના પર પોતાના નિવેદનો આપ્યા હતા. આ ટિપ્પણી પર રાજનાથસિંહે નિવેદન આપ્યું હતું કે નરેન્દ્ર મોદી 2024 તો શું 2029 માં પણ દેશના વડાપ્રધાન બનશે.
અરવિંદ કેજરીવાલની આ ટિપ્પણી બાદ ભાજપના નેતાઓ પોતાના નિવેદનો આપી રહ્યા છે. જ્યારે આ ટિપ્પણી પર આજે શુક્રવારે કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહે નિવેદન આપતા કહ્યું હતું કે,”હું એક વરિષ્ઠ નેતા તરીકે આ બાબતમાં કહેવા માંગીશ કે નરેન્દ્ર મોદી 2024 માં પણ દેશના વડાપ્રધાન બનશે અને 2029 માં પણ દેશના વડાપ્રધાન બનશે. તેમણે એમ પણ કહું હતું કે આનાથી વધુ સ્પષ્ટ રીતે બીજું કી ન કહી શકાય.
તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું હતું કે, “ભાજપ આ વર્ષે 400 પાર બેઠકો મેળવવાની છે. કોંગ્રેસ અને અન્ય વિપક્ષો આરોપ કરી રહ્યા છે કે ભાજપ બહુમતી મેળવીને બંધારણમાં ફેરફાર કરવા માંગે છે. પરંતુ બંધારણમાં સૌથી વધુ ફેરફાર કોંગ્રેસની સરકારે કર્યા છે. ભાજપ કયાં માને છે કે બંધારણની મૂળ પ્રસ્તાવનમાં ક્યારેય ફેરફાર ન થવો જોઈએ, પરંતુ ઇન્દિરા ગાંધીની સરકારે બંધારણની પ્રસ્તાવનમાં ફેરફાર કર્યો છે.
હાલમાં જ જેલમાંથી વચગાળાની જામીન લઈને બહાર આવેલા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઘટસ્ફોટ કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક વર્ષમાં રાજીનામું આપીને અમિત શાહને વડાપ્રધાન બનાવવા મતો માંગી રહ્યા છે. નરેન્દ્ર મોદીની નિવૃતિને લઈને કરાયેલી ટિપ્પણી બાદ રાજકારણ ગરમાયું હતું. ભાજપના મોટા નેતાઓ દ્વારા આ વાતનું ખંડન કરતાં નિવેદનો આપવામાં આવ્યા છે.