‘સમાજમાં નવા પ્રકારના ગુના, આતંકવાદ અને વૈચારિક યુદ્ધો ઊભરી રહ્યા છે’: રાજનાથ સિંહ

‘પોલીસ સ્મૃતિ દિવસ’ નિમિત્તે સંરક્ષણ પ્રધાને કહ્યું – 2047 સુધીમાં વિકસિત ભારત માટે બાહ્ય અને આંતરિક સુરક્ષાનું સંતુલન જરૂરી
નવી દિલ્હીઃ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આજે કહ્યું કે એક તરફ સરહદો પર અસ્થિરતા છે, ત્યારે સમાજમાં નવા પ્રકારના ગુના, આતંકવાદ અને વૈચારિક યુદ્ધ ઉભરી રહ્યા છે. પોલીસ સ્મૃતિ દિવસ નિમિત્તે અહીં રાષ્ટ્રીય પોલીસ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરતી વખતે રાજનાથ સિંહે એમ પણ કહ્યું હતું કે સેના અને પોલીસ અલગ અલગ મોરચે કામ કરે છે પરંતુ તેમનું મિશન એક જ છે – રાષ્ટ્રનું રક્ષણ કરવું.
તેમણે કહ્યું હતું કે 2047 સુધીમાં વિકસિત ભારત માટે રાષ્ટ્રની બાહ્ય અને આંતરિક સુરક્ષા વચ્ચે સંતુલન જાળવવું પહેલા કરતાં વધુ મહત્વપૂર્ણ છે. આ કાર્યક્રમના ભાગ રૂપે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (સીએપીએફ) અને દિલ્હી પોલીસની સંયુક્ત પરેડ યોજાઈ હતી.
વર્તમાન પડકારો પર સંરક્ષણ પ્રધાને કહ્યું હતું કે જ્યારે સરહદો પર અસ્થિરતા છે, ત્યારે સમાજમાં નવા પ્રકારના ગુના, આતંકવાદ અને વૈચારિક યુદ્ધ ઉભરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે ગુના વધુ સંગઠિત, અદ્રશ્ય અને જટિલ બન્યા છે અને તેનો ઉદ્દેશ્ય સમાજમાં અરાજકતા પેદા કરવાનો, વિશ્વાસને નબળો પાડવાનો અને રાષ્ટ્રીય સ્થિરતાને પડકારવાનો છે. રાજનાથ સિંહે પોલીસ દ્વારા ગુના અટકાવવાની તેમની સત્તાવાર જવાબદારી તેમજ સમાજમાં વિશ્વાસ જાળવી રાખવાની તેમની નૈતિક ફરજ નિભાવવા બદલ પ્રશંસા કરી હતી.
આ પણ વાંચો: કેટલાક દેશ ખુલ્લેઆમ વૈશ્વિક નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે: રાજનાથ સિંહ
આ કાર્યક્રમમાં ઉપસ્થિત પોલીસ કર્મચારીઓને સંબોધતા તેમણે કહ્યું હતું કે, “જો લોકો આજે શાંતિથી સૂઈ શકે છે, તો તેનું કારણ આપણા સતર્ક સશસ્ત્ર દળો અને સતર્ક પોલીસ પરનો તેમનો વિશ્વાસ છે. આ વિશ્વાસ આપણા દેશની સ્થિરતાનો પાયો છે.”
લાંબા સમયથી એક મોટો આંતરિક સુરક્ષા પડકાર રહેલા નક્સલવાદી સમસ્યા તરફ ધ્યાન દોરતા રાજનાથ સિંહે કહ્યું હતું કે પોલીસ, સીઆરપીએફ, બીએસએફ અને સ્થાનિક વહીવટીતંત્રના સંકલિત પ્રયાસોએ ખાતરી કરી કે સમસ્યા વધુ ન વધે અને ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત વિસ્તારોના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો
તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આવતા વર્ષે માર્ચ સુધીમાં નક્સલવાદી સમસ્યા નાબૂદ થઈ જશે. તેમણે કહ્યું કે સુરક્ષા દળોના અથાક પ્રયાસોને કારણે આ સમસ્યા હવે ઇતિહાસ બનવાની આરે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેરાત કરી છે કે માર્ચ 2026 સુધીમાં નક્સલવાદી સમસ્યા નાબૂદ થઈ જશે.
આ પણ વાંચો: સર ક્રીકમાં દુઃસાહસ કર્યું તો ઇતિહાસ અને ભૂગોળ બંને બદલાઈ જશેઃ રાજનાથ સિંહની પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી
સંરક્ષણ પ્રધાને કહ્યું હતું કે, “આ વર્ષે ઘણા ટોચના નક્સલવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. જે લોકોએ પહેલા રાજ્ય વિરુદ્ધ હથિયાર ઉપાડ્યા હતા તેઓ હવે શરણાગતિ સ્વીકારી રહ્યા છે અને વિકાસના મુખ્ય પ્રવાહમાં જોડાઈ રહ્યા છે. ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત જિલ્લાઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
સિંહે રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારની પ્રતિબદ્ધતાને દોહરાવી હતી. તેમણે કહ્યું હતું કે, “લાંબા સમય સુધી એક રાષ્ટ્ર તરીકે આપણે પોલીસના યોગદાનને સંપૂર્ણપણે માન્યતા આપી નહીં. જોકે, વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ સરકારે આપણા પોલીસ દળોની યાદોને માન આપવા માટે 2018માં રાષ્ટ્રીય પોલીસ સ્મારકની સ્થાપના કરી હતી.”