
નવી દિલ્હી : પાકિસ્તાનના સૌથી મોટા સિંધ પ્રાંતને લઈને કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આજે સૌથી મોટું નિવેદન આપ્યું છે. રાજનાથ સિંહે આજે કહ્યું કે સભ્યતાના હિસાબથી તો સિંધ પ્રાંત હંમેશાં ભારતનો હિસ્સો રહેશે અને કોણ જાણે, આવતીકાલે સિંધ ભારતમાં પાછું આવી શકે છે.
આઝાદી પહેલા સિંધ પ્રાંતમાં મોટી સંખ્યામાં હિન્દુઓ રહેતા હતા, પરંતુ 1947માં ભાગલા બાદ સિંધ પ્રાંત પાકિસ્તાનનો ભાગ બન્યો હતો. આજે તે પાકિસ્તાનનો ત્રીજો સૌથી મોટો પ્રાંત છે. આ પ્રાંતને લઈને દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહે સૌથી મોટું નિવેદન આપીને સૌને ચૌંકાવ્યા છે. જમીનની રીતે આજે સિંધ પ્રાંત પાકિસ્તાનનો હિસ્સો છે, પરંતુ સભ્યતાની રીતે ભારતનો હિસ્સો હંમેશાં રહેશે.
સિંધ ફરીથી ભારતમાં પાછું આવી શકે છે
આજે દિલ્હી ખાતે સિંધી સમુદાય પરિષદનું આયોજન થયું હતું. જેમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં રાજનાથ સિંહે એક મોટું નિવેદન આપ્યું હતું. રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, “સિંધની ભૂમિ આજે ભલે ભારતનો ભાગ ન હોય, પરંતુ સભ્યતા અનુસાર, સિંધ હંમેશા ભારતનો ભાગ રહેશે. જ્યાં સુધી જમીનનો સવાલ છે, સરહદો બદલાતી રહે છે, પણ કોણ જાણે છે, કાલે સિંધ ફરીથી ભારતમાં પાછું આવી શકે છે.”
આ પણ વાંચો : ‘120 બહાદુર’ના મેકર્સે રેઝાંગ લાના વીરોનું કર્યું સન્માન: રાજનાથ સિંહેના હસ્તે કરાવ્યું આ વસ્તુનું અનાવરણ
આમ, સિંધી સમુદાય પરિષદમાં રાજનાથ સિંહે ભવિષ્યમાં સિંધના ભારત સાથે જોડાવાની શક્યતા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત તેમણે સિંધના ભારત સાથેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક જોડાણ પર ભાર મૂક્યો હતો. રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, “રામાયણના એક શ્લોકમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે સિંધ રાજા દશરથના રાજ્યનો ભાગ હતો. સિંધ એવો પ્રદેશ છે જ્યાં સૌપ્રથમ વૈદિક જ્ઞાન સૌથી પહેલા પહોંચ્યું હતું. આપણી સંસ્કૃતિમાં માતા ગંગાને સૌથી વધુ પૂજનીય ગણવામાં આવે છે, જ્યારે અન્ય દેશોમાં ભારતને સિંધુ નદી સાથે પણ ઓળખવામાં આવે છે.”
અટલજીએ સિંધી ભાષાને ન્યાય આપવાનું કામ કર્યું
રાજનાથ સિંહ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીના પુસ્તકનો ઉલ્લેખ કરતા કહ્યું કે અમારા નેતા લાલકૃષ્ણ અડવાણીએ પોતાના એક પુસ્તકમાં લખ્યું છે કે તેમની પેઢીના સિંધી હિન્દુઓ હજુ પણ સિંધને ભારતથી અલગ માનતા નથી. ભાજપ હંમેશા સિંધી સમાજના હક અને તેના અધિકાર માટે લડ્યાં છે. સિંધી ભાષાને બંધારણની આઠમી અનુસૂચિમાં સામેલ કરવા માટે શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીએ 1957માં પહેલું બિન-સરકારી બિલ રજૂ કરીને મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો. અટલજીએ સિંધી ભાષાનું સમર્થન કરતા કહ્યું હતું કે સિંધીમાં ભારતનો આત્મા બોલે છે.
આ પણ વાંચો : ‘સમાજમાં નવા પ્રકારના ગુના, આતંકવાદ અને વૈચારિક યુદ્ધો ઊભરી રહ્યા છે’: રાજનાથ સિંહ
સિંધી સમુદાયના યોગદાનની ભારોભાર પ્રશંસા
રાજનાથ સિંહે ભારતમાં અને વિશ્વભરમાં સિંધી સમુદાયની મહેનત અને પ્રતિભાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું હતું કે લખનઉમાં જ્યારે પણ કોઈ રાષ્ટ્રીય સ્તરનો કાર્યક્રમ થાય છે, ત્યારે સિંધી સમાજ તેમાં હોંશે-હોંશે પોતાનું યોગદાન આપે છે. સિંધી સમુદાયે તેની અનોખી ઓળખ જાળવી રાખી છે, જે તેમની ભાષાની મીઠાશ, સંતોની કવિતા અને કલાની જીવંતતામાં પ્રતિબિંબિત થાય છે.



