
નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરના પહલગામ હુમલા બાદ શરુ કરેલા ઓપરેશન સિંદૂર મુદ્દે સંસદમાં ચર્ચાની શરુઆત કરતા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે ઓપરેશન સિંદૂર સેનાની ત્રણેય સેવાઓનું અદ્વિતીય ઉદાહરણ છે, જેના અંતર્ગત પાકિસ્તાનની દરેક હરકતને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો. તેમણે સ્પષ્ટ કહી દીધું કે ઓપરેશન સિંદૂરને કોઈના દબાણથી નહીં પણ ઉદેશ્ય પૂર્ણ થયા બાદ રોકવામાં આવ્યું હતું સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર સમાપ્ત નથી થયું.
22 મિનિટમાં જ લક્ષ્ય હાંસલ કર્યું
સંરક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે, આપણુ આ ઓપરેશન સંપુર્ણરીતે સફળ રહ્યુ હતું અને સેનાએ પોતાનું લક્ષ્ય હાંસલ કર્યુ હતું. તેમણે કહ્યું આપણે કોઈના પણ દબાણમાં આવીને નહિ પણ આપણા દુશ્મનના દરેક મનસુબા પણ પાણી ફેરવ્યા બાદ રોકવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આપણો ઉદેશ્ય યુદ્ધ છેડવાનો નહીં, પરંતુ આતંકીઓના માળખાને જમીનદોસ્ત કરવાનો હતો અને માત્ર 22 મિનિટમાં જ ઓપરેશને પોતાનું લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.
કોઈના દબાણમાં રોક્વામાં આવ્યું નહીં
ઓપરેશન સિંદૂરને રોકવા મુદ્દે તેમણે ગૃહમાં કહ્યું હતું કે એ કહેવું ખોટું હશે કે ઓપરેશન સિંદૂરને કોઈના દબાણમાં આવીને રોકવામાં નહોતું આવ્યું. તેમણે કહ્યું હતું કે ઓપરેશન અંતર્ગત સશસ્ત્રદળોએ પોતાનો ઉદેશ્યોને પૂર્ણ કરવામાં સફળ રહ્યા અને પાકિસ્તાન તરફથી ડીજીએમઓ સ્તરે અપીલ અને ચર્ચાઓ પછી જ તેને રોકવામાં આવ્યું હતું.
100થી વધુ આતંકીનો ખાત્મો
રાજનાથ સિંહે કહ્યું કે ઓપરેશન સિંદૂર હાથ ધરતા પહેલા, દરેક પાસાઓનો ખૂબ ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવ્યો હતો અને વિકલ્પ એવી રીતે પસંદ કરવામાં આવ્યો હતો કે આતંકવાદીઓ અને તેમના ઠેકાણાઓને નુકસાન થાય અને પાકિસ્તાનના સામાન્ય નાગરિકોને કોઈ નુકસાન ન થાય. ઓપરેશન સિંદૂરની કાર્યવાહી અંતર્ગત 100થી વધુ આતંકીઓનો ખાત્મો બોલાવામાં આવ્યો હતો.