યુપીમાં રાજનાથ સિંહે આપ્યું મોટું નિવેદન: PoK વિના જમ્મુ કાશ્મીર છે અધૂરું

જૌનપુર (ઉત્તર પ્રદેશ): સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આજે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (પીઓકે)ને ભારતનું મુગટ મણિ ગણાવતા કહ્યું હતું કે તેના વિના જમ્મુ અને કાશ્મીર અધૂરું છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વરિષ્ઠ નેતાએ પાકિસ્તાન પર જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને પ્રોત્સાહન આપવાનું કાવતરું રચવાનો પણ આરોપ લગાવ્યો હતો.
રાજનાથ સિંહ જૌનપુર જિલ્લાના નિઝામુદ્દીનપુર ગામમાં પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા. જ્યાં તેઓએ ભાજપના નેતા જગત નારાયણ દુબેના ઘરે આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમણે કહ્યું, ‘આ (પાકિસ્તાન કબજા હેઠળનું કાશ્મીર-PoK) ભારતનું મુગટ રત્ન છે અને તેના વિના જમ્મુ અને કાશ્મીર અધૂરું છે.’
સંરક્ષણ પ્રધાને કહ્યું હતું કે પાકિસ્તાન માટે આ એક વિદેશી ક્ષેત્રથી વધુ કાંઇ નથી. તે તેનો ઉપયોગ આતંકવાદને પ્રોત્સાહન આપવા અને ભારત વિરોધી પ્રચાર ફેલાવવા માટે કરી રહ્યું છે. ત્યાંના આતંકવાદી કેમ્પ અને લોન્ચ પેડનો નાશ કરવો જ જોઇએ નહીંતર યોગ્ય જવાબ આપવામાં આવશે.
સંરક્ષણ મંત્રીએ કથિત ભારત વિરોધી નિવેદનો આપવા બદલ પાકિસ્તાની નેતા અનવર-ઉલ-હક પર નિશાન સાધ્યું હતું. સિંહે કહ્યું હતું કે પાકિસ્તાન ધર્મના નામે ત્યાંના લોકોને ભારત વિરુદ્ધ ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યું છે અને ત્યાંના રહેવાસીઓ પર અત્યાચાર કરી રહ્યું છે. સિંહે કહ્યું, “આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સૌથી મોટી ડિજીટલ અર્થવ્યવસ્થા બની ગયું છે અને આપણે 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવીશું.”
તેમણે કહ્યું કે આજે જો ભારત કંઈક બોલે છે તો આખી દુનિયા કાન ખોલીને સાંભળે છે કે ભારત શું કહી રહ્યું છે. “આજે દેશના યુવાનોએ ભારતનો ઇતિહાસ વાંચવો જોઈએ, આપણા ઇતિહાસમાં દરેક ક્ષેત્રમાં ભારતની સિદ્ધિઓ દેખાય છે.