ભારત આવતા જહાજો પર ડ્રોન-મિસાઇલ એટેક વિશે રાજનાથસિંહે આપ્યું મોટું નિવેદન
ભારતમાં દરિયાઇ ક્ષેત્રે જહાજ પર હુમલાની ઘટનાઓ વધી રહી છે. તાજેતરમાં ‘MV કેમ પ્લુટો’ અને લાલ સાગરમાં ‘MV સાંઇબાબા’ નામના કાચુ તેલ લઇ જતા 2 જહાજો પર ડ્રોન-મિસાઇલ એટેક થતા ભારતના અન્ય દેશો સાથેના આંતરરાષ્ટ્રીય વેપાર પર મોટી અસર થવાની શક્યતાઓ છે, એવામાં દેશના સંરક્ષણપ્રધાન રાજનાથસિંહે એક મોટું નિવેદન આપ્યું છે.
કેન્દ્રીય રક્ષાપ્રધાન રાજનાથસિંહે કહ્યું છે કે “હુમલાખોરની તપાસ ચાલી રહી છે, પાતાળમાંથી પણ તેને શોધી કાઢવામાં આવશે. ભારતની મજબૂત થઇ રહેલી આર્થિક તાકાત અમુક લોકોને ખૂંચી રહી છે. ‘MV કેમ પ્લુટો’ અને ‘MV સાંઇબાબા’ આ બંને જહાજો પર હુમલો થયો હતો, જે પણ લોકો આ હુમલા માટે દોષિત છે તેમને દરિયાના ઉંડાણમાંથી કાઢી લાવી પાઠ ભણાવીશું, અને જવાબ આપીશું.” તેવું રાજનાથસિંહે ઉમેર્યું હતું.
આજરોજ ભારતીય નૌકાદળના જહાજોના કાફલામાં INS ઇમ્ફાલ જહાજ સામેલ થયું છે. આ પ્રસંગે કેન્દ્રીય સંરક્ષણપ્રધાન રાજનાથસિંહે ઉપસ્થિત નૌસેના અધિકારીઓને સંબોધન કર્યું હતું અને જણાવ્યું હતું કે જહાજ પર હુમલાની ઘટનાઓ બાદ ભારતીય નેવીએ દરિયામાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી દીધી છે. હિંદ મહાસાગરમાં ભારતનો અન્ય દેશો સાથેનો સામુદ્રિક વેપાર નવી ઉંચાઇ પ્રાપ્ત કરે તેવી આશા છે.
નૌસેના પ્રમુખ એડમિરલ આર હરિકુમારે જણાવ્યું હતું કે કમર્શિયલ શીપ્સ પર સમુદ્રી ડાકુઓ તથા ડ્રોન હુમલાઓને જવાબ આપવા નૌકાદળના 4 વિધ્વંસક યુદ્ધજહાજ તૈનાત કર્યા છે. જેમાં પી-8આઇ વિમાન, ડોનિયર્સ, સી ગાર્ડિયન, હેલીકોપ્ટરો તથા અન્ય યુદ્ધજહાજો પણ સામેલ છે.