કોંગ્રેસ પર વરસ્યા રાજનાથ સિંહ, કહ્યું પાકિસ્તાનની ભારતની ચૂંટણીમાં દખલ કરવાની ક્ષમતા નથી
દેશમાં લોકસભા ચુંટણી માટેના બે તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. જ્યારે ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ યોજવવાનું છે. જેમાં હાલમાં ચુંટણી પ્રચારમાં પાકિસ્તાન શબ્દની એન્ટ્રી થઈ છે. ત્યારે રક્ષામંત્રી રાજનાથ સિંહ કોંગ્રેસને પાકિસ્તાન સાથેના સંબંધોને લઇને આડે હાથ લીધી છે. તેમણે પાકિસ્તાનના પૂર્વ મંત્રીના નિવેદન અંગે પૂછવામાં આવ્યું કે શું પાકિસ્તાન ભારતની ચૂંટણીને પ્રભાવિત કરી રહ્યું છે ? આના જવાબમાં રાજનાથે કડક સ્વરમાં કહ્યું કે, પાકિસ્તાનની ભારતની ચૂંટણીમાં દખલ કરવાની ક્ષમતા નથી. આ સિવાય તેમણે કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહાર કર્યા.
રાહુલ ગાંધીની પ્રશંસા ખૂબ જ ચિંતાનો વિષય
રાજનાથ સિંહે કહ્યું કે પાકિસ્તાનના પૂર્વ મંત્રી ચૌધરી ફવાદ હુસૈન દ્વારા રાહુલ ગાંધીની પ્રશંસા ખૂબ જ ચિંતાનો વિષય છે. કોંગ્રેસે એવા દેશમાં પોતાના નેતા માટે અપાર પ્રેમ અંગે સ્પષ્ટીકરણ કરવું જોઈએ જે હંમેશા ભારતને અસ્થિર કરવાનો પ્રયાસ કરે છે.
કોંગ્રેસના પાકિસ્તાન સાથેના સંબંધો પર પણ સવાલ ઉઠાવ્યા
રાજનાથ સિંહે એક ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં કોંગ્રેસના પાકિસ્તાન સાથેના સંબંધો પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું, “જે દેશ ભારતને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યો છે તેના પ્રત્યેના આ અપાર પ્રેમ પાછળ કંઈક કારણ હોવું જોઈએ. આ ખૂબ જ ચિંતાનો વિષય છે અને ભારત આ પ્રેમ પાછળનું કારણ જાણવા માંગે છે.
પાકિસ્તાનના પૂર્વ મંત્રી ચૌધરી ફવાદ હુસૈન વર્ષ 2019માં પુલવામા આતંકવાદી હુમલામાં પાકિસ્તાનની સંડોવણીનો દાવો કરીને ચર્ચામાં આવ્યા હતા. તેમણે 1 મેના રોજ ઇન્સ્ટાગ્રામ પર રાહુલ ગાંધીના ભાષણના અંશો ‘રાહુલ ઓન ફાયર’ કેપ્શન સાથે પોસ્ટ કર્યા હતા, જેની ભાજપના નેતાઓએ આકરી ટીકા કરી હતી.
કોંગ્રેસે પાકિસ્તાન સાથેના સંબંધો અંગે સ્પષ્ટતા કરવી જોઈએ
રક્ષા મંત્રીએ કહ્યું, “ભારતને અસ્થિર કરવાનો પ્રયાસ કરનાર દેશના પૂર્વ મંત્રી રાહુલના વખાણ કરે તો તે ચિંતાનો વિષય છે. કોંગ્રેસે પાકિસ્તાન સાથેના સંબંધો અંગે સ્પષ્ટતા કરવી જોઈએ. રાજનાથ સિંહે કહ્યું કે પાડોશી દેશ ભારતીય ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું પાકિસ્તાન આમાં સફળ થઈ રહ્યું છે તો તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં ચૂંટણીને પ્રભાવિત કરવાની શક્તિ નથી.