રાજનાથ સિંહે તવાંગમાં શસ્ત્ર પૂજા કરી સૈનિકો સાથે વિજયાદશમીની ઉજવણી કરી
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે વિજયાદશમીના અવસર પર અરુણાચલ પ્રદેશના તવાંગમાં શસ્ત્ર પૂજા કરી હતી. આ અવસરે સૈન્યના જવાનોને સંબોધતા રાજનાથ સિંહે કહ્યું, હું આજથી 4 વર્ષ પહેલા અહીં આવ્યો હતો, મને લાગ્યું કે મારે તમારી સાથે વિજયાદશમી ઉજવવી જોઈએ. જે મુશ્કેલ સંજોગોમાં તમે દેશની સુરક્ષાની જવાબદારી લો છો તેના માટે મને તમારા પર ગર્વ છે.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે, મોટાભાગના જવાનોની ઈચ્છા હોય છે કે તેઓ એક વખત સેનામાં સેવા આપે. રાજકારણમાં નેતાઓ પણ ઈચ્છે છે કે ટેરિટોરિયલ આર્મી દ્વારા શરીર પર સેનાનો યુનિફોર્મ આવે. દેશના નાગરિકો આ યુનિફોર્મનું મહત્વ જાણે છે. જો કોઈ સામાન્ય ગામડાની વ્યક્તિ ખોટી બાબતો સામે આવાજ ઉઠાવે તો લોકો તેને ફૌજી સ્વભાવનો કહે છે. આ દેશના સૈનિકો પ્રત્યે લોકોનો આદર છે.
તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું કદ વધ્યું છે. જો તમે દેશની સરહદો સુરક્ષિત ન રાખી હોત તો એ શક્ય ના હોત. પહેલા ભારત ઘણા દેશો પાસેથી હથિયાર ખરીદતું હતું. આજે આપણે 20 હજાર કરોડ રૂપિયાથી વધુના શસ્ત્રોની નિકાસ કરી રહ્યા છીએ. અમે વિદેશી ટેક્નોલોજીને ભારતમાં લાવવાનો પણ પ્રયાસ કરીએ છીએ.
તવાંગ પહોંચતા પહેલા રાજનાથ સિંહ આસામના તેજપુર પહોંચ્યા હતા. જ્યાં તેમણે સૈનિકો સાથે વાત કરી કરી હતી. સંરક્ષણ મંત્રીએ કહ્યું, ભારતીય સેના એકતા અને ભાઈચારાનું સાચું ઉદાહરણ છે કારણ કે તેઓ અલગ-અલગ રાજ્યો, ધર્મો અને પૃષ્ઠભૂમિમાંથી હોવા છતાં એક જ બેરેક અને યુનિટમાં સાથે કામ કરે છે અને સાથે રહે છે.