નેશનલ

દિલ્હીમાં મોટો રાજકીય ઉલટફેર, AAP વિધાન સભ્ય, કાઉન્સિલર અને પૂર્વ નેતા રાજકુમાર આનંદ સહિત ઘણા નેતાઓ ભાજપમાં જોડાયા

આમ આદમી પાર્ટી (AAP)ના પૂર્વ નેતા અને પ્રધાન રાજકુમાર આનંદ ભાજપમાં જોડાયા છે. તેમણે લોકસભા ચૂંટણી પહેલા પ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને બસપામાં જોડાયા હતા. હવે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. તેમની સાથે AAPના વર્તમાન વિધાન સભ્ય કરતાર સિંહ તંવર, રત્નેશ ગુપ્તા, સચિન રાય, પૂર્વ વિધાન સભ્ય વીણા આનંદ અને AAP કાઉન્સિલર ઉમેદ સિંહ ફોગાટ પણ ભાજપમાં જોડાયા છે. આ નેતાઓ દિલ્હી ભાજપના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા અને રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહની હાજરીમાં પાર્ટીમાં જોડાયા હતા.

નોંધનીય છે કે એપ્રિલ મહિનામાં જ રાજકુમાર આનંદે ભ્રષ્ટાચાર અંગેની પાર્ટીની નીતિ પર અસંતોષ વ્યક્ત કરીને કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું. તેમનું રાજીનામું સીધું દારૂ નીતિ કેસ સાથે જોડાયેલું હતું, જેમાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા સહિતના અગ્રણી નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. આપ છોડ્યા બાદ તેઓ બીએસપીમાં જોડાયા હતા. લોકસભાની ચૂંટણીમાં તેઓ બીએસપીની ટિકિટ પર નવી દિલ્હીથી લોકસભાની ચૂંટણી લડી હતી, પરંતુ તેમને માત્ર 5,629 મત મળ્યા હતા અને ભાજપના બાંસુરી સ્વરાજે 78370 વોટથી જીત મેળવી હતી. તેમને 453185 મત મળ્યા હતા. આમ આદમી પાર્ટીના સોમનાથ ભારતી 374815 મતો સાથે બીજા ક્રમે છે.

પટેલ નગરના ભૂતપૂર્વ વિધાનસભ્ય રાજકુમાર આનંદ અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની દિલ્હી કેબિનેટમાં સમાજ કલ્યાણ અને એસસી/એસટી પ્રધાન હતા. રાજકુમાર આનંદે જણાવ્યું હતું કે તેઓ પોતાનું નામ ચાલી રહેલા ભ્રષ્ટાચાર સાથે જોડાય એવું ઇચ્છતા નહોતા.

જુલાઈ 2016માં ઈન્કમ ટેક્સની ટીમે કરતાર સિંહ તંવરના ઘરે દરોડા પાડ્યા હતા. આવકવેરા અધિકારીઓએ 27 જુલાઈની સવારે દક્ષિણ દિલ્હીના છતરપુરથી AAP વિધાનસભ્ય કરતાર સિંહ તંવરના ફાર્મ હાઉસ અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા. આવકવેરા અધિકારીઓ સવારે સાડા આઠ વાગ્યે ધારાસભ્યના નિવાસસ્થાને પહોંચ્યા હતા. આવકવેરા વિભાગે દિલ્હીમાં 11 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં 100થી વધુ અધિકારીઓ સામેલ હતા.

તે સમયે કરતાર સિંહ તંવરની 20 કંપનીઓ તપાસ હેઠળ હતી. ફરિયાદ બાદ કાર્યવાહી કરવામાં આવી હતી આવકવેરા વિભાગને ફરિયાદ મળી હતી કે સરકારી નોકરીમાંથી વીઆરએસ લીધા બાદ કરતાર સિંહ તંવરે પ્રોપર્ટીના કામમાં કરોડો રૂપિયાની કમાણી કરી હતી. દરોડાના સમાચાર મળતાની સાથે જ આસપાસના ગામોના લોકો અને ઘણા ‘આપ’ કાર્યકર્તાઓ તેમના ઘરની બહાર એકઠા થયા હતા અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button