નેશનલ

ભજનલાલ સરકારે બંધ કરી તે રાજીવ ગાંધી ઈન્ટર્નશિપ સ્કીમ શું હતી?

જયપુર: રાજસ્થાનની ભાજપ સરકારે ગેહલોત સરકારના સમયથી ચાલતી રાજીવ ગાંધી યુવા મિત્ર ઈન્ટર્નશિપ સ્કીમ બંધ કરી દીધી છે. આ યોજના હેઠળ ગેહલોત સરકારે પોતાની યોજનાઓને પ્રમોટ કરવા માટે સરકારી નાણાં ખર્ચીને દરેક જિલ્લામાં દસ હજાર જેટલા યુવાનોને રોજગારી આપી હતી. રાજસ્થાનમાં ચાલતી આ સ્કીમ 31 ડિસેમ્બરથી બંધ થઈ જશે. જો કે પૂર્વ મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે આ કાર્યક્રમ બંધ કરવાની ટીકા કરી છે. તેમણે કહ્યું કે જો ભાજપ સરકારને તેના નામને લઈને કોઈ સમસ્યા હોય તો તેણે તેનું નામ બદલી નાખ્યું હોત, પરંતુ તેને બંધ કરવું યોગ્ય નથી. આ યોજના નાણાકીય વર્ષ 2021-22માં શરૂ કરવામાં આવી હતી.

આ યોજનાનો ઉદ્દેશ્ય લોકોના ઘરઆંગણે શાસન અને સેવાઓ વિશે જાગૃતિ ફેલાવવાનો હતો. આ દ્વારા બૌદ્ધિક અને અને સ્વ-પ્રેરિત યુવાનોનું જૂથ વિકસાવવામાં આવ્યું હતું. આ યોજના અમલમાં મૂકવા પાછળનો મૂળ વિચાર લોકોનો સરકારમાં વિશ્વાસ પેદા કરવાનો અને તેમની પાયાની જરૂરિયાતો તેમના ઘરઆંગણે પૂરી થાય તે જોવાનો હતો. યોજના હેઠળ કામ કરતા લોકોને 10,000 રૂપિયા સુધીનું સ્ટાઈપેન્ડ આપવામાં આવતું હતું. સરકારે આ યોજના દ્વારા લગભગ 50 હજાર યુવાનોની નોંધણી કરી હતી.


પૂર્વ સીએમ અશોક ગેહલોતે રાજસ્થાનની ભાજપ સરકારના આ પગલા પર નિશાન સાધ્યું હતું. ગેહલોતે પોતાના અકાઉન્ટ પર લખ્યું હતું કે જો નવી સરકારને આ યોજનાના નામમાં સમસ્યા હતી તો રાજીવ ગાંધી સેવા કેન્દ્રોની જગ્યાએ નામ બદલીને અટલ બિહારી વાજપેયીના નામ પર કરી શક્યા હોત. સરકારી યોજનાઓને દરેક ઘર સુધી પહોંચાડવા માટે ગાંધી યુવા મિત્ર ઈન્ટર્નશિપ પ્રોગ્રામ હેઠળ કામ કરી રહેલા લગભગ 5 હજાર યુવાનોને બેરોજગાર કરવા યોગ્ય નથી. આ યુવાનો સરકારી યોજનાઓથી વાકેફ છે અને સરકારને ઘણી મદદ કરી રહ્યા છે.


ગેહલોતે વધુમાં કહ્યું હતું કે રાજ્યની જનતા જાણે છે કે ભાજપ સરકારના છેલ્લા કાર્યકાળ દરમિયાન અમારી સરકારે હંગામી ધોરણે નિમાયેલા પંચાયત સહાયકોને કાયમી કરીને તેમના પગારમાં વધારો કર્યો હતો. આવી સકારાત્મક વિચારસરણી સાથે, નવી સરકારે રાજીવ ગાંધી યુવા મિત્ર ઈન્ટર્નશિપ પ્રોગ્રામ પણ ચાલુ રાખવો જોઈએ.


ગેહલોત ઉપરાંત રાજસ્થાન કોંગ્રેસ પ્રમુખ ગોવિંદસિંહ દોતાસરાએ પણ આ અંગે ભાજપને આડે હાથ લીધા હતા. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે રાજસ્થાનની ભાજપ સરકારે નવા વર્ષ પહેલા હજારો રાજીવ ગાંધી યુવા મિત્રોનો ઈન્ટર્નશીપ કાર્યક્રમ ખતમ કરી દીધો છે અને તેમને બેરોજગારીની ભેટ આપી છે. જો ભાજપની રાજકીય દ્વેષ માત્ર નામની જ હોત, તો તેઓને બેરોજગારીની ભેટ ન મળી હોત.


આ યોજનાને લઈને ભાજપના પ્રવક્તા લક્ષ્મીકાંત ભારદ્વાજે કહ્યું હતું કે રાજસ્થાનમાં રાજીવ ગાંધી યુવા મિત્ર ઇન્ટર્નશિપ પ્રોગ્રામ દ્વારા કોંગ્રેસે તેના કાર્યકરોની સરકારી નાણાંથી ભરતી કરી હતી. રાજસ્થાનને લૂંટવાની કોંગ્રેસની યોજનાને રદ કરવા બદલ મુખ્ય પ્રધાન ભજનલાલ શર્માનો આભાર માન્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button