નેશનલ

રાજસ્થાન: કૉંગ્રેસના બે ભૂતપૂર્વ પ્રધાનો અને અન્યો લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપમાં જોડાયા

જયપુર: લોકસભાની ચૂંટણીના એંધાણ વર્તાઈ રહ્યા છે ત્યારે રાજસ્થાનમાં બે ભૂતપૂર્વ પ્રધાનો રાજેન્દ્ર યાદવ અને લાલચંદ કટારિયા સહિત કૉંગ્રેસના કેટલાક નેતાઓ ભાજપમાં જોડાયા હતા.

કૉંગ્રેસના ભૂતપૂર્વ વિધાનસભ્યો રિછપાલ મિર્ધા, વિજયપાલ મિર્ધા અને ખિલાડી બૈરવા, ભૂતપૂર્વ અપક્ષ વિધાનસભ્ય આલોક બેનીવાલ, રાજ્ય કૉંગ્રેસ સેવા દળના ભૂતપૂર્વ પ્રમુખ સુરેશ ચૌધરી, રામપાલ શર્મા અને રિજુ ઝુનઝુનવાલા સહિત અનેક નેતાઓ ભાજપમાં જોડાયા હતા.

રાજસ્થાનના મુખ્ય પ્રધાન ભજનલાલ શર્મા, રાજ્યના ભાજપના અધ્યક્ષ સી. પી. જોશી અને કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવે રાજ્યમાં પાર્ટીના મુખ્યાલયમાં આ બધા નેતાઓનું પક્ષમાં સ્વાગત કર્યું હતું.

પક્ષપ્રવેશ બાદ બોલતાં કટારિયાએ કહ્યું હતું કે અંતરાત્માનો અવાજ સાંભળીને તેઓ ભાજપમાં જોડાયા છે, કેમ કે ભાજપ ખેડૂતો, ગરીબો અને સામાન્ય માનવીની પીડા અને વેદનાને સમજી શકે છે. મુખ્ય પ્રધાન શર્માએ ઈસ્ટર્ન રાજસ્થાન કેનાલ પ્રોજેક્ટની આડેના મુદ્દાઓ ઉકેલવા માટે કામ કર્યું હતું.

કૉંગ્રેસની સરકારમાં એસસી કમિશનના ચેરમેન રહેલા બૈરવાએ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ગેહલોતની ટીકા કરતાં કહ્યું હતું કે ત્યારના મુખ્ય પ્રધાન એવું માનતા હતા કે અનુસૂચિત જાતીના લોકો તેમના ગુલામ છે.

કટારિયા અને યાદવ અગાઉની અશોક ગેહલોત સરકારમાં પ્રધાનો હતા અને કટારિયા તો યુપીએની સરકારમાં કેન્દ્રીય પ્રધાન પણ હતા.

યાદવે કહ્યું હતું કે ભાજપ રાજ્યની બધી જ 25 (પચીસ) બેઠકો પર વિજય હાંસલ કરશે.

અહીં ઉલ્લેખનીય છે કે જ્યારે ગેહલોત સરકારમાં યાદવ પ્રધાન હતા ત્યારે મધ્યાહ્ન ભોજન યોજનામાં કથિત ભ્રષ્ટાચાર અંગે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) અને આવકવેરા ખાતા (આઈટી) દ્વારા તેમનાં સ્થળોની તપાસ કરવામાં આવી હતી.
રિછપાલ મિર્ધા કૉંગ્રેસના ભૂતપૂર્વ સંસદસભ્ય જ્યોતિ મિર્ધાના કાકા છે, જેમણે 2023ની વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપમાં પ્રવેશ કર્યો હતો.

મિર્ધા પરિવાર જાટ સમાજમાં પ્રભાવશાળી માનવામાં આવે છે.

મુખ્ય પ્રધાન ભજનલાલ શર્માએ કહ્યું હતું કે કૉંગ્રેસે ખેડૂતોને નામે મતો માગ્યા હતા, પરંતુ તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. તેમણે કૉંગ્રેસ પર ભ્રષ્ટાચાર અને કૌભાંડોનો આરોપ લગાવ્યો હતો. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button