નેશનલ

3 વાર NET, 5 વાર સરકારી પરીક્ષા પાસ કરી, 20 લાખ લઈ ડમી ઉમેદવાર બન્યો…. પણ છેવટે નોકરી ગઈ!

જયપુરઃ સરકારી ભરતી મેળવવા માટે ઘણી આકરી મહેનત કરવી પડે છે, કલાકોનું વાંચન, અન્ય મોજ-શોખને તિલાંજલી આપવી પડે છે પણ આ મહેનતથી બચવા માટે અમુક લોકો ગેરકાયદે રીતે સરકારમાં ઘૂસવા માંગે છે. આવો જ એક કિસ્સો રાજસ્થાનથી બહાર આવ્યો હતો. જેના વિશે જાણીને તમે પણ ચોંકી ઊઠશો. રાજસ્થાનના જાલોર જિલ્લાની સરકારી ઉચ્ચ માધ્યમિક શાળાના એક અધ્યાપકે અનેક ભરતી પરીક્ષાઓમાં અન્ય ઉમેદવારોની જગ્યાએ ‘ડમી કેન્ડિડેટ’ તરીકે બેસીને પરીક્ષાઓ આપી હતી તેમજ આ માટે તેમની પર અનેક કેસ હતા, જેની વિગતો છુપાવીને પોતે સરકારી સેવક બન્યા હતા.

મળતી વિગતો અનુસાર, રાજસ્થાનના જાલોર જિલ્લાની સરકારી ઉચ્ચ માધ્યમિક શાળાના લેક્ચરર હરશનરામ દેવાસીને શિક્ષણ નિયામક દ્વારા સરકારી સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા છે. તપાસમાં બહાર આવ્યું છે કે હરશનરામે અનેક ભરતી પરીક્ષાઓમાં અન્ય ઉમેદવારોની જગ્યાએ ‘ડમી કેન્ડિડેટ’ તરીકે બેસીને પરીક્ષાઓ આપી હતી. ઓળખના દસ્તાવેજોમાં ચેડાં કરવા અને અન્યને ગેરકાયદેસર રીતે નોકરી અપાવવા બદલ તેમની સામે પરીક્ષા અધિનિયમ સહિત કુલ 9 વિવિધ કલમો હેઠળ ગુનાહિત કેસ નોંધવામાં આવ્યા છે. અગાઉ તેઓ જયપુર એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં જેલની હવા પણ ખાઈ ચૂક્યા છે.

ખાતાકીય તપાસમાં સાબિત થયું છે કે હરશનરામનું વર્તન અને સત્યનિષ્ઠા શિક્ષકના પદને અનુરૂપ નહોતા. ટ્રેનિંગ દરમિયાન ગેરકાયદે રીતે ગેરહાજર રહેવું, જેલ જવાની માહિતી વિભાગથી છુપાવવી અને સરકારી નિયમોના ખુલ્લેઆમ ભગં બદલ આ કડક કાર્યવાહી કરવામાં આવી છે. તપાસમાં ખુલાસો થયો છે કે વર્ષ 2021માં તેમણે દૌસા જિલ્લાના એક ઉમેદવારની જગ્યાએ સબ-ઈન્સ્પેક્ટર (SI) ની પરીક્ષા આપવા માટે 20 લાખ રૂપિયાની ડીલ કરી હતી. જોકે, બીજા દિવસે પોતાના મિત્રની જગ્યાએ પરીક્ષા આપવા જતાં તેઓ રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

હરશનરામ દેવાસી અભ્યાસમાં ખૂબ હોશિયાર હતા. તેમણે 3 વખત NET-JRF ક્વોલિફાય કરી હતી અને પાંચ જેટલી સરકારી ભરતી પરીક્ષાઓ પાસ કરી હતી. વર્ષ 2016માં તૃતીય શ્રેણી શિક્ષક તરીકે જોડાયા બાદ તે જ વર્ષે દ્વિતીય શ્રેણી શિક્ષક ભરતીમાં આખા રાજ્યમાં ત્રીજો ક્રમ મેળવ્યો હતો. વર્ષ 2018માં સંસ્કૃત અને હિન્દી અધ્યાપક તરીકે પણ તેમની પસંદગી થઈ હતી.

એસઓજીની તપાસ બાદ ફેબ્રુઆરી 2024માં તેમની ધરપકડ કરવામાં આવી હતી. જો કે ચોંકાવનારી વાત તો એ છે કે, આટલા વિવાદો અને તપાસ છતાં વર્ષ 2024માં હરશનરામની આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે પણ પસંદગી થઈ ગઈ હતી. પરંતુ, પાપનો ઘડો ભરાતા હવે વિભાગે તેમને કાયમ માટે સરકારી સેવામાંથી બહાર કરી દીધા છે. હાલ આ સમગ્ર મુદ્દો કોર્ટને વિચારાધીન છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button