રાજસ્થાનમાં ઈન્દોર જેવો ‘હનીમૂન મર્ડર’ કેસ: નવપરિણીતાએ પ્રેમી સાથે મળીને કરી પતિની હત્યા

શ્રીગંગાનગર: રાજસ્થાનના શ્રીગંગાનગરમાંથી માનવતાને લાંછન લગાવતી અને પતિ-પત્નીના સંબંધોને કલંકિત કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક નવપરિણીત દુલ્હને જ પોતાના પ્રેમી સાથે મળીને પતિની ક્રૂર હત્યા કરી નાખી હોવાની અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. આ ઘટનાને ઈન્દોરના કુખ્યાત રાજા રઘુવંશી કેસ જેવી જ ‘હનીમૂન હત્યા’ ગણાવવામાં આવી રહી છે. પત્નીએ આ જઘન્ય અપરાધને અકસ્માત અને લૂંટમાં ખપાવવાનો પૂરેપૂરો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાયદાના સકંજામાંથી તે બચી શકી નહીં.
શ્રીગંગાનગરના રાવલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા 27 વર્ષીય આશિષ કુમારના લગ્ન ૩૦ ઓક્ટોબર 2025ના અંજલિ (23) સાથે થયા હતા. જોકે, અંજલિ છેલ્લા 7 વર્ષથી તેના સંબંધી સંજય ઉર્ફે સંજુ સાથે પ્રેમ સંબંધમાં હતી. લગ્ન પછી પણ અંજલિ તેના પ્રેમીને મળવા તલપાપડ હતી અને તેણે શ્રીગંગાનગરમાં આગળના અભ્યાસના બહાને ત્યાં રહેવા જવાની પતિ પાસે જીદ કરી હતી, જ્યારે આશિષે તેને ત્યાં જવાની સ્પષ્ટ ના પાડી દીધી, ત્યારે અંજલિએ તેના પ્રેમી સંજય સાથે મળીને આશિષનો કાંટો કાઢી નાખવાનો ભયાનક પ્લાન ઘડ્યો હતો.
૩૦ જાન્યુઆરીની રાત્રે અંજલિ આશિષને ફરવાના બહાને ઘરની બહાર એક સુમસામ રસ્તા પર લઈ ગઈ હતી ત્યાં અગાઉથી જ પ્લાન મુજબ સંજય તેના બે સાથીઓ રોહિત અને બાદલ સાથે ઝાડી ઝાંખરામાં છુપાઈને બેઠા હતા. અંજલિનો ઈશારો મળતા જ આરોપીઓએ આશિષ પર લાકડીઓ વડે જીવલેણ હુમલો કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં પણ જ્યારે આશિષનો જીવ ન ગયો ત્યારે આરોપીઓએ તેના જ મફલરથી ગળું દબાવીને તેની હત્યા કરી નાખી હતી. ત્યાર બાદ ઘટનાને લૂંટનું સ્વરૂપ આપવા અંજલિએ પોતાના દાગીના અને આશિષનો ફોન પ્રેમીને આપી દીધા અને પોતે બેભાન હોવાનું નાટક કરી રસ્તા પર પડી રહી હતી.
ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે અંજલિએ કહાની બનાવી કે કોઈ અજાણ્યા વાહને તેમને ટક્કર મારી અને લૂંટ કરી છે. જોકે, ગંગાનગર એસપી અમૃત દુહાનને ઘટનાસ્થળની તપાસમાં અનેક વિસંગતતાઓ જણાઈ હતી. સૌથી મોટી શંકા એ હતી કે આશિષનું મોત થયું પણ અંજલિને એક ઉજરડો પણ નહોતો.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ ગળું દબાવવાના નિશાન મળ્યા હતા. જ્યારે પોલીસે અંજલિના ફોન રેકોર્ડ્સ તપાસ્યા ત્યારે તેના પ્રેમી સાથેના સતત સંપર્કની વાત સામે આવી અને આખી મિસ્ટ્રી સોલ્વ થઈ ગઈ. પોલીસે પત્ની અંજલિ અને તેના પ્રેમી સહિત ચારેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
પૂછપરછમાં જાણવા મળ્યું કે અંજલિ અને સંજય કોલેજકાળથી જ રિલેશનશિપમાં હતા અને પરિવારજનોને આ વાતની જાણ હોવા છતાં તેના લગ્ન આશિષ સાથે કરાવી દેવાયા હતા. આશિષે હાલમાં જ શિક્ષક તરીકે નોકરી શરૂ કરી હતી અને તે પોતાના સંસારને સુખી બનાવવાની આશા રાખતો હતો, પરંતુ તેને ક્યાં ખબર હતી કે જે પત્ની પર તે વિશ્વાસ રાખે છે તે જ તેના મોતનું કારણ બનશે. હાલ કોર્ટે અંજલિને 2 દિવસ અને અન્ય આરોપીને 5 દિવસના રિમાન્ડ ફટકાર્યા છે.
આપણ વાંચો: તો સંસદમાં પીએમ મોદી પર હુમલો થયો હોતઃ સ્પીકરે કર્યો મોટો ખુલાસો



