
જયપુર: આજે સવારે રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાનાં પીપલોડી ગામમાં એક સરકારી શાળાની જર્જરિત ઈમારત ધરાશાયી થઇ જતા મોટી દુર્ઘટના સજાઈ (Rajasthan School building collapse) છે, આ ઘટનામાં અત્યાર સુધી છ બાળકોના મોત થયા હોવાનાં અહેવાલ છે, જયારે બે બાળકો ગંભીર રીતે ઘાયલ છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે, 20 થી વધુ બાળકો કાટમાળ નીચે દબાયેલા હોવાનું અનુમાન છે. વડાપ્રધાન મોદીએ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. રાજ્યના શિક્ષણ પ્રધાને ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા છે.
અહેવાલ મુજબ સવારે 8.30 વાગ્યે જયારે શાળામાં પ્રાથના સભા ચાલી રહી હતી ત્યારે અચાનક છત તૂટી પડી હતી, ઘટના સમયે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફ સભ્યો સહીત 60 લોકો પરિસરમાં હાજર હતા. ઘટના બનતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતાં અને બચાવ કર્યું શરુ કર્યું હતું. ત્યાર બાદ વહીવટીતંત્રના અધિકારીઓ અને રેક્યું ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
તંત્રની બેદરકારીએ જીવ લીધા:
સૂત્રોના દ્વારા મળતી માહિતી મુજબ શાળામાં ધોરણ 8 સુધીનું શિક્ષણ આપવામાં આવે છે. શાળાની ઇમારત જર્જરિત હાલતમાં હતી, જે અંગે ફરિયાદો પણ નોંધવામાં આવી હતી. પરંતુ યોગ્ય કાર્યવાહીના કરવામાં આવી ન હતી. છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ભારે વરસાદને કારણે ઈમારત વધુ નબળી બની હતી અને તૂટી પડી હતી, જેમાં 6 માસુમોના જીવ ગયા છે. શાળાના બાળકોના પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા છે, સ્થાનિકોમાં આ મામલે ભારે રોષ ફેલાયો છે. રાજ્યના શિક્ષણ પ્રધાન મદન દિલાવરે ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે.
વડા પ્રધાને દુઃખ વ્યક્ત કર્યું:
વિદેશ યાત્રા પર રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટનાને અંગે આઘાત વ્યકત કર્યો છે. વડાપ્રધાન કાર્યાલએ સોશિયલ મીડિયા પરની એક પોસ્ટમાં લખ્યું, “આ મુશ્કેલ સમયમાં મારી સંવેદનાઓ અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો સાથે છે. ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું. અધિકારીઓ અસરગ્રસ્તોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડી રહ્યા છે.”
મુખ્ય પ્રધાને દુઃખ વ્યક્ત કર્યું:
રાજસ્થાનના મુખ્ય પ્રધાન ભજનલાલ શર્માએ પણ આ ઘટના અંગે દુખ વ્યક્ત કરતા X પર લખ્યું, “ઝાલાવાડના પીપલોડીમાં શાળાની છત ધરાશાયી થવાની દર્દનાક ઘટના અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક છે. ઈજાગ્રસ્ત બાળકોને યોગ્ય સારવાર મળી રહે એ માટે સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે. ભગવાન દિવંગત દિવ્ય આત્માઓને પોતાના ચરણકમળમાં સ્થાન આપે અને શોકગ્રસ્ત પરિવારને આ આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.”
આ પણ વાંચો…રાજસ્થાનમાં મોટી દુર્ઘટના! સરકારી શાળાની છત તૂટી પડી, 4ના મોત, 60થી વધુ દટાયા