રાજસ્થાનમાં મુસ્લિમોને ટિકિટ શા માટે ના આપી? શું જવાબ આપ્યો બાલમુકુંદાચાર્યએ
જયપુર: રાજસ્થાનની રાજધાની જયપુરની હવામહલ બેઠક પરથી જીતેલા ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા બાલમુકુંદાચાર્ય અત્યારે અમુક કારણોને લઈ ચર્ચામાં છે. તેમના ઘણા બધા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યા છે, જેમાં એક વીડિયોમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ભાજપ દ્વારા મુસ્લિમોને શા માટે ટિકિટ આપી નહોતી તો બાલમુકુંદાચાર્યએ ઉગ્ર થઇને જવાબ આપ્યો હતો.
એની સાથે બાલમુકુંદાચાર્યએ ચૂંટણીમાં કોંગ્રેસ અને અન્ય પક્ષો દ્વારા ભાજપ પર હિંદુ કાર્ડ રમવાના આરોપ મુદ્દે કહ્યું હતું કે અમે કોઈ કાર્ડ રમ્યા નથી. અમે હિંદુ છીએ અને આ સનાતનીઓનો દેસ છે. લોકશાહીમાં બધાને ચૂંટણી લડવાનો અધિકાર છે પછી એ કોઈ સંત હોય હોય કે અન્ય કોઈ. કોંગ્રેસની વિચારધારા અને પ્રકૃતિ જ સનાતનીઓ વિરોધી છે.
આ ઉપરાંત બાલમુકુંદાચાર્યએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે કોંગ્રેસ સનાતનની દુશ્મન છે, કાંગ્રેસ હંમેશાં સનાતનનો વિરોધ કરે છે તેમ જ ભાજપે કેમ 200માંથી એક પણ બેઠક પર મુસ્લિમ ઉમેદવારને ટિકિટ ન આપી તેના અંગે તેમણે જણાવતા કહ્યું હતું કે ટિકિટ આપનાર હું કોણ છું. એ તો પાર્ટીએ મને ટિકિટ આપી છે. માત્ર પાર્ટી જ જાણે છે કે તેઓએ બીજા કોઇને ટિકિટ કેમ ન આપી. અને જો મારા વિશે વાત કરતા હોય તો હું શરૂઆતથી જ સનાતની છું. હું વિશ્વ હિન્દુ પરિષદ(વિહિપ)નો કાર્યકર રહ્યો છું. હું બીજા કોઈના ધર્મને નુકસાન પહોંચાડતો નથી, પરંતુ હું કોઇપણ સંજોગોમાં હંમેશાં મારા ધર્મની રક્ષા કરીશ. ત્યારે ચૂંટણી દરમિયાન બાલમુકુંદાચાર્યએ તેમના પ્રચારમાં એ બાબત પર ભાર આપ્યો હતો કે દરેક જગ્યાએ ભગવો લહેરાવો જોઈએ, કારણ કે આ સનાતનીઓનો દેશ છે.
રાજસ્થાનની વિધાનસભાની ચૂંટણીમાં બાલમુકુંદાચાર્ય હવામહાલ વિધાનસભા બેઠક પરથી લડ્યા હતા અને 95,989 મત મેળવી જીત મેળવી હતી.